જામનગર : જર, જોરુ અને જમીન, ત્રણેય કઝીયાના છોરું. એવી કહેવત વિદ્યમાન હતી પરંતુ લોકશાહી બાદ તેમાં વધુ એક પરિબળ ઉમેરાયું, તે છે ચૂંટણી, ચુંટણી સ્થાનિક ગ્રામ પંચાયતની હોય કે હોય ધારાસભા કે સંસદની, કોઈને કોઈ ખટરાગ હમેશા સામે આવતા જ રહે છે. એમાય સૌથી વધુ ખટરાગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થાય છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગ્રામજનોએ ઉમેદવારો સાથે મળી એક એવી પ્રેરણા આપી કે તમામ કહી રહ્યા છે કે ખેલદિલી તો બાકોડી વાશીઓની.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ગઈ કાલે પુરી થઇ અને આવતી કાલે પરિણામ પણ આવી જશે. પરંતુ આ ચૂંટણીના કારણે અનેક વિખવાદો થતા રહ્યા છે. જામજોધપુર પંથકમાં તો આવા વિવાદને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા પંચાયતની બેઠક પર એક જ કુટુંબ-પરિવારના સભ્યો વચ્ચે જંગ ખેલાયો હતો. ભાજપ તરફથી રામભાઈ ગોજીયાના પત્ની અને સામે પક્ષે કોગ્રેસે વિરાભાઈ ગોજીયાના ધર્મ પત્નીને ટીકીટ આપી હતી. એક જ ગામના અને એક જ સાંખના ઉમેદવારો આમને સામે આવી જતા ગ્રામજનો માટે કો

ને મત આપવો એ ધર્મ સંકટ ઉભો થયો હતો. બંને તરફે જોરદાર પ્રચાર પ્રસાર છેડાયો, એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું, આખરે ચૂંટણી પણ પૂર્ણ થઇ, તોતિંગ મતદાન થયું, મતદાન પત્યા બાદ સમગ્ર ગ્રામજનોએ બંને ઉમેદવારોને એક જ પાંગતમાં બેસાડી ચા-પાણી પી લીધા અને સંકલ્પ લેવડાવ્યો કે હાર જીત તો ગૌણ બાબત છે. પરંતુ ચૂંટણીના કારણે ગ્રામજનો વચ્ચે ખટરાગ ન રહેવો જોઈએ, બંને પક્ષે શરત સ્વીકારાઈ અને બંને પક્ષે હસતા મોઢે વિરોધ ભાસ છોડી સાથે મળી ગામનો વિકાસ કરવાની નેમ લઇ ચૂંટણી પ્રકિયાને ભૂતકાળમાં દફનાવી દઈ એક પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે.