સલામ : પત્રકારના બ્રેઈનડેડ પુત્રનું હૃદય રશિયાના બાળકમાં ધબક્યું, ફેફસાએ યુક્રેઇનના બાળકમાં પ્રાણ પૂર્યા

0
381

જામનગર : સુરતમાં પત્રકારત્વ સાથે સંકળાયેલ સજ્જન બુદ્ધિજીવીના અઢી વર્ષના પુત્ર બ્રેઈન ડેડ થયા બાદ માતા-પિતાએ ભારે હૃદયે પુત્રના અંગોનું દાન કર્યું છે. એ માસુમ બાળક જતા જતા પણ સાત જિંદગીઓને તારી ગયો છે. માતા-પિતાએ ભારે હૃદયે હોસ્પિટલમાં જયારે માસુમના અંતિમ દર્શન કર્યા ત્યારે ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા.

તાજેતરમાં સુરત ખાતે એક કરુણ ઘટના ઘટી હતી. પોતાના ઘરની બાજુમાં રહેતા પાડોશીના ઘરે રમતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષનો પુત્ર જશ રમતા રમતા અગાસી પરથી નીચે પડી ગયો હતો. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તબીબોએ તાત્કાલિક સારવાર આપી હતી. જોકે દોઢ દિવસ બાદ તબીબીએ જશને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. પથારીમાંથી બેઠો નહી થઇ શકે એવો અભિપ્રાય આપતા પત્રકાર પિતા અને તેના પરિવારે બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો, હોસ્પિટલ ખાતે માતા-પિતાએ જયારે બાળકના ચહેરા પર હાથ ફેરવી અંતિમ વખત નિહાળી વિદાય આપી ત્યારે હોસ્પીટલમાં ભાવના સભર દ્રશ્યો સર્જાયા હતા.

બ્રેઈનડેડ જશના હૃદય, ફેફસા, લીવર અને કીડની સહીત સાત અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં ચેન્નાઈમાં સારવાર લઇ રહેલ રશિયાના એક બાળકમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું જયારે આ જ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ યુક્રેઇનના એક બાળકમાં ફેફસા પ્રત્યાર્પિત કરાયા હતા. જયારે કીડની અમદાવાદની કીડની હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યું છે. જયારે લીવર ભાવનગરના એક બાળકમાં બેસાડવામાં આવ્યું હતું.
ગઈ કાલ સુધી ઘરમાં કલબલાટ કરતો અને હસતો રમતો માસુમ જશ કુદરતની નિયતિનો ભોગ બન્યો અને પાછળ છોડી ગયો પરિવાર માટે ન પુરાઈ એટલી ખોટ, ધન્ય છે એ માતા પિતા અને પરિવારને જેણે કાળઝાના કટકાના અંગોનું દાન કરી સાત જીંદગીને ઉગારી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here