સલાયા સળગ્યું : પોલીસ પર ટોળાનો હુમલો, કેમ સ્થિતિ કથળી ? ક્યાં ચૂક રહી ગઈ ?

0
5246

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે ગઈ કાલે ચોક્કસ જૂથ દ્વારા પોલીસને નિશાન બનાવવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં પોલીસ વિક્ષેપ પાડી રહી છે એવી ગ્રંથી બંધાઈ જતા ટોળાના રૂપમાં એક્ત્ર થયેલ સખ્સોને પોલીસને નિશાન બનાવી હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમાં એક પોલીસ અધિકારી સહિતનાઓને ઈજા પહોચી હતી જયારે સરકારી ગાડીને ઉધી વાળી દઈ ટોળાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઘજાગરા ઉડાવ્યા હતા. પોલીસે ટિયરગેસ સેલ છોડી ટોળાને કાબુ કરવા કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે એસપી સહિતનો કાફલો સલાયા પહોચ્યો હતો. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે દ્વારકા ઉપરાંત જામનગર જિલ્લાની પોલીસને સલાયામાં ઉતારી દેવામાં આવી છે.

સલાયા ખાતે ગઈ કાલે રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે જે સમગ્ર રાત સુધી અવિરત રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ દ્વારા જિલ્લાભરની પોલીસને સલાયામાં ઉતારી દેવામાં આવી છે. વાત એવી છે કે ગઈ કાલે ચોક્કસ જૂથમાં ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યું હતું. સવારથી જ અહી ધાર્મિક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સાંજ પડતા પડતા એવી અફવાનું વાતાવરણ ઉભું થયું કે પોલીસ અહી ઉત્સવ ઉજવવામાં બાધારૂપ બની રહી છે, વિક્ષેપ ઉભો  કરી રહી છે. જેને લઈને તોફાની તત્વોને મેદાન મળી ગયું અને પોલીસને નિશાન બનાવવામાં આવી, મોડી રાતે બંદોબસ્ત કરી રહેલ પોલીસ પાર્ટીને ટોળાએ નિશાન બનાવી હલ્લ્બોલ કર્યું હતું. જેમાં એક પોલીસ અધિકારી અને એક પોલીસ જવાનને ઈજા પહોચ્યાના સમાચાર મળ્યા છે. અચાનક આવી ટોળાની હિંસાત્મકતાને લઈને પોલીસ કઈ એક્શન લે તે પૂર્વે ટોળું હાવી થઇ ગયું હતું અને પોલીસકર્મીઓની સાથે સરકારી બોલેરોને પણ છોડી ન હતી. ઉગ્ર બનેલ ટોળાએ પોલીસ કર્મીઓને અડફેટે ચડાવી સરકારી ગાડીને પણ ઉંધી વાળી દીધી હતી.

આ ઘટનાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતા એસપી સહિતનો કાફલો રાત્રે જ સલાયા દોડી ગયો હતો. વણસેલી સ્થિતિને કાબુ કરવા અને વધુ સ્થિતિ ખરાબ ન થાય તે માટે સલાયામાં જિલ્લાભરની પોલીસને ઉતારી દઈ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આખી રાત સુધી પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટોળામાં આવેલ સખ્સોની ઓળખ મેળવવા પ્રયાસો  શરુ કરવામાં આવ્યા હતા. સલાયામાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબુત નથી કારણ કે, ભૂતકાળમાં પણ પોલીસ અને પ્રજા આમને સામને આવી ગયા છે. ત્યારે ગઈ કાલે પોલીસે સ્થિતિને સમજવામાં ચૂક ખાઈ જતા આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે એમ જાણકારોએ મત દર્શાવ્યો છે. એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે પોલીસ બંદોબસ્ત સ્કીમમાં થાપ ખાઈ ગઈ જતા સ્થિતિ કાબુ બહાર ચાલી ગઈ હતી. વાસ્તવિકતા જે હોય તે, પણ પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ ઉભો કરવામાં ક્યાંક ચૂક રહી ગઈ છે. આગામી સમયમાં કાયમી શાંતિ સ્થપાય એ જરૂરી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here