કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં ભગવાન-દેવી દેવતાઓની મૂર્તિઓના સ્પર્શ પર મનાઈ ફરમાવવામાં આવી છે. બીજી તરફ કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકાયો છે.
કેન્દ્રની આરોગ્ય શાખા દ્વારા નીતિ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જો નવરાત્રી કે અન્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવા હોય તો અત્યારથી તૈયારી કરવી પડશે. લંગરો અને કમ્યુનિટી કિચન તેમજ ભીડ-ભાડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પૂરું ધ્યાન રાખવું પડશે. આયોજકોએ કાર્યક્રમ સ્થળની સફાઈથી માંડી જૂતા-ચંપલ ઉતારવા સુધીની કાળજી રાખવી પડશે.
ગરબાના કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય એટલે જે જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવશે, ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત થશે. જયારે ધાર્મિક સંસ્થાઓ, પંડાલોમાં માતાજી અને ગણપતિદેવતાની બેસાડેલ મૂર્તિઓને સ્પર્સ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
દરવર્ષે પર્ચીન અને અર્વાચીન ગરબીઓમાં ગવાતા ગરબાઓ પર આ વર્ષે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેની જગ્યાએ માત્ર રેકોર્ડેડ ગરબાઓ-ગીતો વગાડવાની છુટ આપવામાં આવી છે.
કોરોના કાળમાં તત્ર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ગરબી પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઝોનમાં આયોજકો, સ્ટાફ કે અન્ય લોકોને પણ જવાની મંજૂરી અપાશે નહીં. લોકો ઘરમાં રહીને જ તહેવાર મનાવી શકશે. રેલી કે વિસર્જન જેવા કાર્યક્રમમાં નિર્ધારીત મર્યાદાથી વધારે લોકો ભાગ લઈ શકશે નહીં.