દસ્તક: ચિરાગ કાલરીયાના ભાજપમાં પ્રવેશ અંગે પૂર્વ કૃષિ મંત્રી સાપરિયાએ સાફ સાફ કહ્યું

0
1161

જામનગર: જામનગર જિલ્લાના રાજકારણમાં ગઈ કાલથી ચર્ચાનો નવો દોર શરુ થયો છે. જામજોધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરીયા જેવા મુખ્ય મંત્રીને પગે લાગ્યા ત્યાં જ ચિરાગના ભાજપમાં પ્રવેશવાની વાતને લઈને નવી ચર્ચાઓ સામે આવી છે. જો કે આ ચર્ચાઓનો બે જ કલાકમાં અંત આવી ગયો હોવાની વિગતો સામે આવી છે કેમ કે આ ઘટનાક્રમના બે જ કલાક બાદ જિલ્લાના ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રીને સાફ સાફ કહી દીધું કે ચિરાગ તો નહી જ !!! તો બીજી તરફ આ જ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલ એવા પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ પણ ચિરાગના ભાજપમાં પ્રવેશ અંગે વહેતી થયેલ વાતને અડકતરી રીતે રદિયો આપી કહ્યું હતું કે અન્ય પક્ષને નેતાને ભાજપમાં સમાવવા કોઈ કારણ જ નથી, જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપ પાસે સક્ષમ ઉમેદવારો હોવાનું જણાવી નવા ચહેરાની કોઈ આવશ્યકતા જ ન હોવાનું જણાવ્યું છે.

છેલ્લા પખવાડિયામાં રાજ્યમાં એક વાત ચાલી રહી છે કે કોંગ્રેસના અમુક ધારાસભ્યોને ભાજપ પક્ષમાં પ્રવેશ અપાવવા લોબિંગ કરી રહ્યો  છે. જેમાં જામનગરની જામજોધપુર વિધાનસભા બેઠકના ચિરાગ કાલરીયાનું નામ મોખરે હતું. આ જ બાબતને લઈને ગઈ કાલે સીદસર ખાતે ચિરાગ કાલરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ, મારા ભાજપમાં જવા પાછળ કોઈ કારણ જ નથી. જો મારે ભાજપમાં જવું હોત તો રાજ્ય સભાના ઈલેકશન વખતે જ પ્રવેશ કઈ લેત, પણ હાલ કોઈ સંજોગ જ નથી અને કારણ પણ નથી.

ચિરાગ કાલરીયાના આ નિવેદન પૂર્વેના એક કલાકના ગાળામાં જે ઘટનાક્રમ રહ્યો  તે ચિરાગના ભાજપમાં ભળવાની વાતને વેગ આપનારો બની રહ્યો હતો. સીદસર ખાતે સત્કાર કરતી વેળાએ ચિરાગ કાલરીયા મુખ્યમંત્રીને પગે લાગી ગયા હતા. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો અને રાજકીય વિશ્લેષકોએ ચિરાગના ભાજપ પ્રવેશને નિશ્ચિત માનવા લાગી ગયા હતા.

આ ઘટનાક્રમ બાદ મુખ્યમંત્રી જામનગર જિલ્લાના અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જો કે બેઠક બંધ બારણે થઇ હતી. પક્ષની આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હોવાની ભાજપે સતાવાર જાહેરાત કરી હતી. પંરતુ બેઠકમાં હાજર ભાજપના અમુક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે આ બેઠકમાં ચિરાગ કાલરીયાના ભાજપમાં પ્રવેશ અંગે વાત થઇ હતી. જેમાં મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓએ ચિરાગ અંગે નકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું જાણવા મળ્યું  છે. જો કે આ બાબતે ભાજપ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, આ બેઠકમાં જીલ્લાના એક પછી એક પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. કોગ્રેસના ધારાસભ્યના ભાજપમાં આવવાની સંભાવના અંગે પૂર્વ મંત્રી સાપરિયાએ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લાની ત્રણેય બેઠક પર ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર છે અને કોઈ પણ ભાજપના કાર્યકરને ટીકીટ આપવામાં આવશે તો એ ત્રણેય બેઠક જંગી બહુમતીથી  ભાજપ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બાકી અન્ય પાર્ટીના કાર્યકરને ભાજપ માં પ્રવેશ અંગેનો કોઈ પ્રશ્ન જ નથી એમ તેઓએ સ્પષ્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here