રજાક સાયચા અને તેના ભાઈએ સરકારી જમીન પર બંગલા ઉભા કર્યા

0
3839

જામનગર: જામનગરમાં બેડી વિસ્તારમાં જાણીતા બનેલા સાઇચા પરિવાર પર સરકારે ગાળિયો વધુ મજબૂત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ જ વિસ્તારમાં બાંધકામો દૂર કરાયા બાદ હવે સાયચા બંધુઓ પર જમીન પચાવી પાડવા સબબ કાર્યવાહી કરવામાં આવી છે. બંને ભાઈઓએ ગેરકાયદે બાંધકામ કરી રહેણાક ઉભા કરવા સબબ કાર્યવાહી કરવામાં આવી છે.

ગત ડિસેમ્બર માસના ગાળા દરમિયાન અવૈદ્ય બાંધકામ હટાવવા તંત્રે કમરકસી અને બેડી વિસ્તારમાં આવેલ રજાક સાયચાના સરકારી જમીન પર બનાવી દેવાયેલ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ રજાકે હાઈ કોર્ટમાં અરજી કરી થોડી રાહત મેળવી હતી દરમિયાન રજાક અને તેના ભાઈઓએ બેડી વિસ્તારમાં ઢાળીયા પાસે ગરીબનગર-પાણાં ખાણ તરફ જતા માર્ગ પર બંગલા ટાઇપ બાંધકામ ઉભા કરી દીધા હોવાનું સામે આવ્યું હતું. સરકારી જમીન પર આ બાંધકામ ઉભા કરવામાં આવ્યા હોવાનું રેવન્યુ રેકોર્ડમાં સાબિત થઈ જતા સર્કલ ઓફિસર હિતેષભાઇ ખુશાલભાઇ જાદવએ બંને બંધુઓ રજાક નુરમામદ સાયચા તથા હનીફ નુરમામદ સાયચા બંન્ને રહે.બેડીના ઢાળીયા પાસે જામનગરવાળાઓ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક-૨૦૨૦ની કલમ-૪(૨), ૪(૩),૫(ગ) મુજબ સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ બન્ને બંધુઓએ જામનગર શહેરના બેડી વિસ્તારના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં.૪૦ પૈકીની જમીન પર તેઓની કોઈપણ જાતની કાયદેસરની માલીકી ન હોવા છતા સરકારી જમીન પર ગેર કાયદેસર રહેણાંક ઉપયોગવાળુ મકાન બનાવી તેમા પોતાના પરિવારના સભ્યો સાથે વસવાટ કરી ગુન્હો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પ્રકરણ અંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે જ જામનગર ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અવૈદ્ય બાંધકામો હટાવવા બાબતે જાહેર મંચ પર થી સંબોધન કર્યું હતું ગૃહ મંત્રીના નિવેદન બાદ મહેસુલ વિભાગ દ્વારા સાયચા બંધુઓ સામે કાર્યવાહીને વધુ તેજ ગતિ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here