કૃષિ મંત્રીની દરખાસ્ત : આપતી કૃષિ સહાયમાં વધારો થશે, કઈ નુકશાનીમાં, કેટલો વધારો થશે? જાણો

0
867

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્રમાં પુરપ્રકોપમાં વ્યાપક તારાજી થઇ છે. જેમાં સૌથી વધુ અસર જામનગર જિલ્લાને થઇ છે. જેને લઈને નવા મંત્રી મંડળના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે છે. આજે  દિવસભરનો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી ગ્રામજનો અને ખેડૂતોને ધરપત આપી છે.

જામનગર જીલ્લામાં આવેલ પૂરપ્રકોપમાં વ્યાપક તારાજી થઇ છે. અનેક ગામડાઓમાં ખેતી અને પાક અને જમીનનું વ્યાપક ધોવાણ થયું છે. અનેક મકાનો પડી ગયા છે અથવા જર્જરિત બન્યા છે. સંખ્યાબંધ પશુઓ અને ઘરવખરી તણાઈ ગયા છે. હાલ જીલ્લામાં સર્વે ચાલી રહ્યો છે. એકાએક આવી પડેલ આફતને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રચાયેલ સરકાર એક્શનમાં આવી છે. મંત્રી બન્યાના ત્રીજા જ દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે જામનગર જીલ્લાની મુલાકાતે છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના ગ્રામ્ય વિસ્તારોમાં મહતમ નુકશાની પહોચી છે ત્યારે ખેડૂત સહીત તમામ નાગરિકોને હૈયા ધારણા આપવા માટે આજે રામપર, બાણુગાર, અલીયા, બાળા, જૂની મોડા, સપડા, પસાયા બેરાજા, ધુતારપર, ધુડાસીયા, બાંગા, મતવા, હડમતીયા, વાગડિયા, વાણીયાગામ, મોટી ભલસાણ, નાઘુના, કોન્જા, હર્ષદપુર, મોખાણા સહિતના ગામડાઓની મુલાકાતે છે. આજે ખેડૂતોને ધરપત આપતા તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ જે સહાયનું ધોરણ હતું તેમાં વધારો સૂચવવામાં આવ્યો છે.

ગઈ કાલે પૂરગ્રસ્ત વિસ્તારો માટે મીટીંગ યોજાઈ હતી જેમાં સહાયના ધારા ધોરણોમાં વધારો સુચવાયો છે. અગાઉ પાક ધોવાણના પ્રતિ હેકટરે ૧૦ હજાર હતા જે હવે ૪૦ હજાર અને જમીન ધોવાણના ૧૦ હજારની જગ્યાએ ૨૦ હજારની દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ એક ખેડૂત કે પશુપાલકના પશુ મૃત્યુ અંગે વધુમાં વધુ ત્રણ પશુ મૃત્યુ સહાય ચુકવવામાં આવતી હતી જે હવે વધારી પાંચ પશુઓ સુધી સૂચવાઈ છે. ભેસ અને બળદ મૃત્યુ અંગે ૩૦ હજારની સહાયની જગ્યાએ ૫૦ હજાર સુધી કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં જ સતાવાર કરવામાં આવશે એમ ખેડૂતોને ધરપત આપી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈએ ઉપરોક્ત ગામડાઓના ખેડૂતોને એ પણ ધરપત આપી કે સરકાર હમેશા ખેડૂતોની સાથે રહી છે. આવી કપરી સ્થિતિમાં પણ સાથે રહેશે અને હકારાત્મકતા દાખવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here