મગફળી : બીજા દિવસે ૧૯ ખેડૂતોએ આપ્યો ટેકો, પણ પાંચ ખેડૂતો થયા નિરાશ, ખુલ્લા માર્કેટમાં આવી ઓટ, કેમ ?

0
728

જામનગર : જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ટેકાના ભાવની મગફળી ખરીદીના બીજા દિવસે ૩૦૦ માંથી માત્ર ૧૯ ખેડૂતો જ ટેકાના ભાવની મગફળી લઇ આવ્યા હતા. જો કે તંત્રએ પાંચ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરતા માત્ર ૧૪ ખેડૂતો પાસેથી નિયત મગફળી ખરીદી કરી હતી. વીસ ટકા ઉપરાંત ખેડૂતોની મગફળી રીજેક્ટ થતા હવે આગામી દિવસોમાં ખેડૂતો ખુલ્લા બજારમાં હરાજી તરફ વળે તો નવાઈ નહી.

જામનગર જીલ્લામાં ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયામાં હાપા સહિત જીલ્લાના છ યાર્ડમાં કુલ ૫૨ હજાર ઉપરાંત ખેડૂતોએ નોંધણી કરાવી છે. તો બીજી તરફ સોમવારથી જીલ્લાના હાપા સહીત તમામ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જામનગર યાર્ડમાં બોલાવેલ ૪૫ ખેડૂતોમાંથી એક પણ ખેડૂત મગફળી લઇ આવ્યો ન હતો. જયારે બીજા દિવસે ૩૦૦ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા જેમાં માત્ર ૧૯ ખેડૂતો મગફળી લઇ પહોચ્યા હતા. જો કે તંત્રની ખરીદી પ્રક્રિયામાં ૧૯ પૈકી ૧૪ ખેડૂતોની મગફળી જ પાસ થઇ હતી જયારે પાંચ ખેડૂતોની મગફળી રીજેક્ટ થઈ હતી. બીજા દિવસે આવેલ ખેડૂતો પૈકી ૨૦ ટકા ઉપરાંત ખેડૂતોની મગફળી રીજેક્ટ થયાની વાતને લઈને અગામી દિવસોમાં ખેડૂતોનો જોક ખુલ્લા બજાર તરફ વળે તો નવાઈ નહી, કેમ કે ખુલ્લા બજારમાં આવતા મહતમ ભાવ અને તાત્કાલિક પેમેન્ટ તથા રીજેકશનને કોઈ  સ્થાન નહી. આ બાબતને લઈને ખેડૂતો ખુલ્લા બજારની હરાજી તરફ વળશે એમ જાણકારોએ મત દર્શાવ્યો છે. બીજી તરફ આજે પાંચમાં દિવસે ખુલ્લા બજારની હરાજી પ્રક્રિયામાં મગફળીના ભાવમાં થોડી ઓટ આવી છે. ગઈ કાલે પ્રતિ મણના રૂપિયા ૧૪૬૫ બોલાયા બાદ આજે મહતમ ભાવ ૧૪૨૦ રહ્યા હતા જે રૂપિયા ૪૫ ઓછા છે. જો કે આજનો જે ભાવ બોલ્યો તે રાજ્યભરમાં સૌથી ઉંચો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here