જામનગર : ભૂતકાળમાં અનેક રાજકીય આગેવાનોએ કોલસામા કાળા હાથ કર્યા છે. એક પ્રકરણમાં તો રાજકીય આગેવાનના પુત્રની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. પરંતુ રાજકીય સોદાબાજી થતા આ પ્રકરણ ભીનું સંકેલાઈ ગયું છે. તો અન્ય એક પ્રકરણમાં રાજકીય આગેવાનના સબંધીની ડાયરેક સંડોવણી છતાં પગલા લેવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયુ હતું. ત્યારે ભૂતકાળમાં કોલસા કૌભાંડમાં કાળા હાથ કરી ચૂકેલ રાજકીય અગ્રણીઓના ઇસારે વધુ એક કૌભાંડ આચરવામાં નથી આવ્યું ને ? કારણ કે સિક્કા ડીસીસી કંપનીમાં આયાત કરાયેલ કોલસાની જગ્યાએ નિમ્ન કક્ષાનો કોલસો પધરાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કંડલાથી કંપની વચ્ચેના પરિવહનમાં ઉચ્ચ ગુણવતાવાળો કોલસાની જગ્યાએ અંત્યત નિમ્ન કક્ષાનો કોલસો લોડ કરી દેવામાં આવતો હોવાનો ઘટ:સ્પોટ થયો છે.

જામનગરની દિગ્વિજય સિમેન્ટ કંપનીના પ્લાન્ટમાં સિમેન્ટ બનાવવાની પ્રોસીજરમાં વાપરવામાં આવતો કોલસાની વિદેશથી આયાત કરવામાં આવી હતી. કંડલા બંદરે આવેલા કોલસાને બંદરથી કંપનીમાં પહોચતો કરવામાં માટે ટ્રક વાટે પરિવહન કરવામાં આવે છે. તાજેતરમાં ત્રણ ટ્રકમાં આવેલ કોલસાનો જથ્થો જે તે ગુણવતાને બદલે અંત્યત નિમ્ન કક્ષાનો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કંપનીના કર્મચારી હરદેવસિંહ ચુડાસમાએ પોરબંદર પંથકના ત્રણ ટ્રક ચાલકો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. બંદરેથી રવાના થયેલ કોલસાની જગ્યાએ રસ્તામાં જ કયાંક આ કોલસો ઉતારી તેની જગ્યાએ બીજો કોલસો ધાબડી દેવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. સિક્કા પોલીસે આ પ્રકરણની તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે તપાસ કરે તે પૂર્વે જીલ્લાનો ઈતિહાસ ગવાહ છે કે આવા જ કૌભાંડો થયા છે. જેમાં રાજકીય મોટા માથાઓના નજીકના સબંધીઓની સંડોવણી સામે આવી હતી. જો કે રાજકીય વગના જોરે બે-ત્રણ કૌભાંડ તો ઉજાગર થયા વગર જ રહી ગયા છે. એક પ્રકરણમાં તો જીલ્લાના રાજકીય અગ્રણી સાથે ‘રાજકીય’ સોદાબાજી થઇ હોવાની પણ ચર્ચાઓ જે તે સમયે જાગી હતી. જો કે બે-ત્રણ પ્રકરણ સામે આવ્યા પણ તેમાં રાજકીય ભલામણ હેઠળ નાની માછલીઓ સુધી કાયદાનો હાથ પહોચી ન શક્યો એ વાસ્તવિકતા છે ત્યારે આ પ્રકરણ પણ કોઈ રાજકીય આકાઓના જોરે તો નથી ચાલતું ને ? આ વાતને લઈને તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.