જામનગર : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી પામેલા હાર્દિક પટેલ આગામી મંગળવારના રોજ સમગ્ર હાલારનો પ્રવાસ ખેડશે. જગતમંદિરે શીશ જુકાવી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગ્રેસના કાર્યકરો સાથે નવો જોમ પૂરવાનો પ્રયાસ કરશે. સાંજે જામનગર ખાતે પત્રકારોને સંબોધન કરશે.
રાજ્યના યુવાનેતા હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશની સાથે નવું જોમ ઉમેરાયું હતું. દિલ્લી હાઈકમાન્ડ ગુજરાતમાં હાર્દિકને યુવાનેતા અને કોગ્રેસના ભવિષ્ય તરીકે જોઈ રહ્યું છે. ત્યારે આગામી આઠ વિધાનસભા બેઠકો માટેની પેટા ચુંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા માસ્તર સ્ટ્રોક ફટકારી હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરી છે. આ સાથે જ ગુજરાતની યુવા કોંગ્રેસ ટીમમાં નવો જુસ્સો ઉમેરાયો છે. હાર્દિક પટેલની વરણી બાદ તેઓ જામજોધપુરમાં ઉમિયા માતાના ધામમાં શીશ જુકાવી ગયા છે.
આ સાથે જ હાર્દિક પટેલે પોતાનો હાલારનો કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો છે. જો કોઈ મોટું વિધ્ન ન આવે તો આગામી મંગળવારે હાર્દિક પટેલ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો પ્રવાસ ખેડશે. સવારે લાલપુર બાયપાસ ચોકડીથી કોંગ્રેસની ટીમ સાથે હાર્દિક પટેલનો કાફલો દ્વારકા રવાના થશે. દ્વારકા ખાતે જગત મંદિરમાં શીશ જુકાવી આશીર્વાદ મેળવી હાર્દિક પટેલ આગેવાનો સાથે રસ્તામાં અલગ-અલગ જગ્યાએ કાર્યકરોને અભિવાદન કરે એમ પણ માનવામાં આવી રહ્યુ છે.
ત્યારબાદ જામનગરમાં સાંજે સાડા ચાર વાગ્યે જામનગર બાયપાસ રોડ પર આવેલ કનસુમરાના પાટિયા પાસે સંસ્કાર રિસોર્ટ ખાતે બંને જીલ્લાના કોંગ્રેસના આગેવાનોને સંબોધન કરી, પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. હાર્દિક પટેલના કાર્યક્રમને લઈને હાલ બંને જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ આવ્યો છે.