જામનગર અપડેટ્સ : ફરિયાદ નોંધવા કે અરજી લેવા માટે પોલીસ સામાન્ય અરજદારને અનેક વખત ધક્કા ખવડાવતી હોવાની ફરિયાદો વ્યાપક છે ત્યાં સામાન્ય પ્રજા તો ઠીક સરકારનું પણ પોલીસ માનતી ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના અસહકાર અંગે પોતાને થયેલ અનુભવ આજે કેબીનેટ મંત્રીએ જાતે જ જાહેર કરી પોલીસની જાટકણી કાઢી હતી. વાત હતી સરકારી સંપતીની ચોરીની, પણ પોલીસે ફરિયાદ જ નહી નોંધી મંત્રીને પણ ઢીલા પાડી દીધા તો સામાન્ય પ્રજાનું શું આવે ? એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
વાત છે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે આજ ફીસરીઝ વિભાગ દ્વારા યોજાયેલ ખાત મુર્હુત પ્રસંગની, જેમાં મંત્રી જવાહાર ચાવડાને થયેલ પોલીસ ખાતાના કડવા અનુભવને તેઓએ જાહેર કર્યો હતો. મંત્રીના જણાવ્યા મુજબ પોતાના વિધાનસભા માણાવદર ખાતે સરકારી ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલ બાકડાઓને ભરીને નીકળેલ એક ટ્રેક્ટરને ભાજપાના કાર્યકર્તાઓએ રોક્યું હતું અને પોલીસને હવાલે કર્યું હતું. સરકારી સંપતીની ચોરી અંગેની કરવાની થતી કાર્યવાહીમાં પોલીસે ઢીલાશ વર્તી છે. સરકારી સંપતીની ચોરી અંગે કાયદેસરની કાર્યવાહી કરવા ખુદ મંત્રી ચાવડાએ પૂલીસને ટેલીફોનીક વાત કરી હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે પોલીસે મંત્રીની વાત પણ નહી માની કોઈ કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ ખુદ મંત્રીએ લગાવ્યો છે. આ બાબતે જુનાગઢ એસપીએ જવાબ આપવો જોઈએ એમ પણ તેઓએ જણાવ્યું હતું. જો પોલીસ સરકારને જ ગાંઠતી ન હોય તો સામાન્ય માણસને શું આશા રાખવાની ? એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસે આ બાબતને લઈને ખુલાસો કરવો જોઈએ જેથી પોલીસની ખરડાયેલ પ્રતિષ્ઠા સામે ઉઠી રહેલ સવાલને સકારાત્મક લઇ શકાય.