મર્ડર અપડેટ્સ : સાવ મામુલી રકમ માટે એ યુવાનને પતાવી દેવાયો’તો

0
790

જામનગર : શહેરમાં ચાર દિવસ પૂર્વે વૂલનમિલ પાસે હત્યા કરી ફેંકી દેવાયેલ યુવાનના હત્યારાઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યા છે. એક ટેણિયા સહિત ત્રણ શખ્સોને સિટી સી ડિવિઝન પોલીસે પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રૂપિયાની લેતી-દેતી બાબતે માથાકૂટ થયા બાદ ત્રણેય શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. માત્ર રૂપિયા 700ની ઉઘરાણી નહીં પુરી પાડતા યુવાનને પતાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ગત્ તા.4ના રોજ વૂલનમિલ પાસે મહાકાલી સર્કલ પાસે ખેતીવાડીની સામેના વિસ્તારમાંથી મનોજ નાથાભાઇ ફળિયાતર (ઉ.વ.35) નામના યુવાનની ઇજા પામેલ હાલતમાં લાશ મળી આવી હતી. શંકાસ્પદ હાલતમાં મળી આવેલી આ લાશને પોલીસે જી.જી.હોસ્પિટલ ખસેડી પીએમ કરાવ્યું હતું. જેમાં આ યુવાનને ઢોર માર મારી અજ્ઞાત શખ્સોએ પતાવી દીધો હોવનું સામે આવ્યું હતું. જેને લઇને સિટી સી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હત્યારાઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

પોલીસ તપાસ દરમિયાન વામ્બે આવાસમાં રહેતાં સંજય ઉર્ફે સન્ની પાલાભાઇ પરમાર સાથે છેલ્લે આ મૃતક દેખાયો હોવાનું અને તેની સાથે રૂપિયાની લેતી-દેતી બાબતે માથાકૂટ થઇ હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સિટી સી ડિવિઝન પોલીસે આ શખ્સને આંતરી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. સંજય ઉપરાંત તેનો મિત્ર મનોજ ઉર્ફે મનિયો પ્રવિણભાઇ મકવાણા તેમજ કાયદાથી સંઘર્ષિત એક કિશોર એમ ત્રણેય શખ્સોએ મળીને તા.4ના રોજ મૃતક મનોજભાઇ પર વામ્બે આવાસના રૂમમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીંકા-પાટૂનો માર મારી પતાવી દીધો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ રિક્ષા ભાડે કરી લાશને મહાકાળી સર્કલ પાછળ રામવાળી સ્મશાનમાં ફેંકી નાશી ગયા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ત્રણેય આરોપીઓની કરાયદેસરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં આરોપી સંજયની પત્ની રેશમાની પણ સંડોવણી બહાર આવી છે.
આ કાર્યવાહી સિટી સી ડિવિઝનના પીઆઇ યુ.એચ. વસાવા, પીએસઆઇ જે.સી.ગોહિલ, પીએસઆઇ વાય.આર.જોષી, હે.કો. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા, ઓસ્માણભાઇ સુમરા, મહિપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઇ મકવાણા, રૂષિરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિનયભાઇ ઝાલા, સુનિલભાઇ ડેર, રાધાબેન ગોજીયા, આરતીબેન દેગામા સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here