મિત્રતાની હત્યા : યુવાનને તેના જ ભેરૂબંધે પતાવી દીધો હોવાનો ખુલાસો

0
458

જામનગર અપડેટ્સ : ધ્રોલ તાલુકાના લતીપર ગામે ચાર દિવસ પૂર્વે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. મિત્રએ મિત્રની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાય ગયેલા પરપ્રાંતિય શ્રમિક મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધુ હોવાનું બહાર આવ્યું છે. જામનગર એલસીબી પોલીસે આરોપીને પકડી પાડી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામે 3જીના રોજ ધનજીભાઇ દામજીભાઇ જોગલ (ઉ.વ.42) નામના યુવાનની અજાણ્યા હત્યારા દ્વારા ક્રુર હત્યા નિપજાવવામાં આવી હતી. છુટક મજુરી કરતો યુવાન સાંજે ઘરેથી ગુમ થયા બાદ બીજા દિવસે સવારે ગામની ભાગોળેથી મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે કોશ કે કુહાડા જેવા હથિયાર વડે ધડાધડ ઘા મારી ધનજીભાઇની હત્યા નિપજાવી હત્યારા ફરાર થઇ ગયા હતાં. સવારે યુવાનની હત્યા નિપજાવેલ મૃતદેહ મળતા ધ્રોલ પંથક સહિત જિલ્લાભરમાં સનસનાટી મચી ગઇ હતી.
આ બનાવની મૃતકના ભાઇ મુકેશભાઇ જોગલએ અજાણ્યા શખ્સો સામે ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક હત્યાના બનાવના આગલા દિવસે સાંજથી જ ઘરેથી ગુમ થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. મૃતક મોબાઇલ ઉપયોગ ન કરતો હોવાનું હત્યારાઓ સુધી પહોંચવા અડચણ ઉભી થઇ હતી. છતાં એલસીબી, એસઓજી અને ધ્રોલ પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન મૃતકની સાથે મિત્રતા ધરાવતો સુરેન્દ્રસિંગ ઉર્ફે બંટી ગજાભાઇ મોહનીયા નામનો શખ્સ ગુમ થઇ ગયો હોવાની વિગતો સામે આવી હતી જેને લઇને પોલીસે આ શખ્સ તરફ તપાસ કેન્દ્રીત કરી હતી જેમાં ગઇકાલે રાત્રે એલસીબી પોલીસને સફળતા મળી હતી આ શખ્સને ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેની પુછપરછ દરમિયાન તે ભાંગી પડયો હતો અને હત્યાની કબુલાત કરી હતી. જેને લઇને એલસીબીએ આરોપીની વિધીવત ધરપકડ કરી હતી.
મિત્ર સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી અને ઝઘડો થયો હતો જેને લઇને આરોપીએ ધોકા વડે હુમલો કરી મૃતકનું ઢીમ ઢાળી દીધુ હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here