જામનગર : વકીલ કિરીટ જોશીની હત્યા બાદ આરોપીઓ પર પોલીસનો સીકંજો કસાયો હતો. જેને લઈને આરોપીઓએ ત્રણ વર્ષ સુધી દેશના ૧૧ રાજયો અને ચાર દેશમાં આશ્રય લીધો હોવાની વિગતો સામે આવી છે. જેમાં પશ્ચિમી અને દક્ષીણના રાજ્યો તેમજ ભૂતાન, નેપાળ અને થાઈલેન્ડ સહિતના ચાર દેશનો સમાવેશ થાય છે.

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય મુખ્ય આરોપીઓને પોલીસે કોલકતાથી પકડી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી છે જેમાં ત્રણ વર્ષ સુધી ક્યાં કયા આશ્રય લીધો ? રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે થઇ સહિતની સીલસીલાબંધ વિગતો સામે આવી છે.
૨૮મી એપ્રિલના રોજ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. આરોપી હાર્દિકે વકીલને છરીથી રહેશી નાખ્યા બાદ તેના ભાઈ દિલીપ અને જયંત ચારણ સાથે એક જ બાઈક પર બેસી આરોપીઓ રાજકોટ પહોચ્યા હતા. જામનગર થી ધ્રોલ, સામખીયાળી થઇ રાજસ્થાન જયપુર, લખનૌ થઇ નેપાળની સનોલી બોર્ડર થી નેપાળમાં કાઠમંડુ તેમજ પોખરા મુકામે આશરો લીધો હતો. અહી સુરક્ષિત નહિ લાગતા ત્રણેય નેપાળથી પાછા ભારતમાં દાર્જીલીંગ આવી અમુક મહિનાઓ રહ્યા હતા. પોલીસ પોતાના સુધી પહોચી જશે એમ લાગતા ત્રણેય ભૂતાન દેશમાં ચાલ્યા ગયા હતા. ભૂતાન દોઢેક મહિનો રોકાયા બાદ ત્રણેય પરત ભારત આવી, આસામના ગુવાહાટી, નાગાલેન્ડ, વેસ્ટ બંગાળના સીલીગુડી, કલકતા, ઓડીસ્સાના ભુવનેશ્વર,અને બિહારના રાયપુર. આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને ચેનાઇ,રામેશ્વરમ, કન્યાકુમારી રોકાયા હતા. દરમિયાન એકાદ વર્ષ જેવો સમય થઇ જતા પ્રકરણની તપાસ મંદ પડી ગઈ છે છતાં પણ દેશમાં પકડાઈ જવાનો ખતરો છે એમ સતત ભય દેખાતા ત્રણેય મુંબઇ આવી ગયા હતા. જ્યાં ડુપ્લીકેટ નામ ધારણ કરી તે ખોટા નામથી પાસપોર્ટ બનાવી જયેશ પટેલએ થાઇલેન્ડ પહોચાડવામાં મદદ કરી હતી. થાઇલેન્ડમાં થોડો સમય જલસા કર્યા બાદ ત્રણેય સેનેગલ પહોચ્યા હતા. સેનેગલથી ભારત આવી કોલકતાના ચોક્કસ એરિયામાં સંતાયા હતા. જેની જાન જામનગર પોલીસને થઇ જતા ઓપરેશન રેડ હેન્ડ પાર પાડવામાં આવ્યું હતું..