ગીર પડે ગીરીરાજ : નયારાના મેનેજરનું અપહરણ થયું ને જમાદારને ‘ફૂટબોલ’ની જેમ ફેકી દેવાયા ? કેમ ? જાણો?

0
1563

જામનગર : જામનગર નજીક સપ્તાહ પૂર્વે નયારા કંપની સાથે સંકળાયેલ એક મેનેજરની કારને આંતરી લઇ ચાર સખ્સોએ અપહરણ કર્યું હતું. મેઘપર પોલીસની તપાસ દરમિયાન ચાર પૈકીના ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. બનાવ બન્યો જામનગર જીલ્લામાં પણ આ પ્રકરણ દ્વારકા જીલ્લાના દેવળિયા પોલીસ ચોકીના જમાદારને ભરખી ગયું હોવાની પોલીસબેડામાં ચર્ચાઓ જાગી છે. જો સુત્રોનું માનવામાં આવે તો આરોપીઓએ કંપની અધિકારીને ઉઠાવી લીધા હતા તે આરોપીઓ સાથે જમાદારને ‘ચા-પાણી’ પીવાના સંબંધ હતા જેને લઈને દ્વારકા એસપીએ તાત્કાલિક જમાદારને ખંભાલીયા ટાઉન ભેગા કરી દીધા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓની કાર્યપ્રણાલી અને આવડત પર નીચેનો સ્ટાફ બટ્ટો લગાવી રહ્યો હોવાનું અનેક વખત સાબિત થઇ ચુક્યું છે. એ પછી ખનીજ  ચોરી હોય કે દારુ સબંધિત કાર્યવાહીમાં ટપકતી લાળ હોય, આવા પોલીસકર્મીઓને કારણે સમગ્ર પોલીસ આલમ બદનામ થાય છે. કલ્યાણપુર પોલીસની દાદાગીરી અને સગીર પર સુરાપણાની ઘટના હજુ તાજી જ છે ત્યાં વધુ એક જમાદારે પોલીસની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાત એમ છે કે તાજેતરમાં જામનગર જીલ્લાના મેઘપર પડાણા ગામ પાસે કાર આડે કાર નાખી નયારા કંપની સાથે સંકળાયેલ મેનેજરનું ચાર સખ્સો દ્વવારા અપહરણ કરવામાં આવ્યું હતું. રૂપિયા પાંચ કરોડનો કોન્ટ્રકટ મેળવવા માટે આરોપીઓએ કંપનીમાં કાર્યરત મેનેજરનું અપહરણ કર્યું હોવાની મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ અપહરણકારોને પકડી પાડ્યા હતા.

આ ઘટના બાદ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દેવળિયા પોલીસચોકીના જમાદાર ગીરીરાજસિંહ ગોહિલની તાત્કાલિક અસરથી સિંગલ ઓર્ડરથી બદલી કરી નાખવામાં આવી છે. પોલીસબેડામાં ચાલતી ચર્ચાઓ માનવામાં આવે તો અપહરણની ઘટના બાદ નયારા કંપનીનું એક પ્રતિનિધિ મંડળ દ્વારકા જીલ્લા પોલીસવડાને મળ્યું હતું. જો કે કંપની પ્રતિનિધિઓ અને એસપી વચ્ચે બંધ બારણે ચર્ચાઓ થઇ હતી. પણ આ મીટીંગ બાદ જમાદાર ગીરીરાજને ફૂટબોલની જેમ ઘા કરી દેવામાં આવ્યો છે.

આવા કારણે જમાદારનો ભોગ લેવાયો ?

કંપનીના સુત્રોનું માનવામાં આવે તો અપહરણમાં સંડોવાયેલ સખ્સો અને જમાદાર ગીરીરાજસિંહ ગોહિલને દરરોજ ઉઠક-બેઠકનો સબંધ હતો. કંપની તરફથી દર્સાવવામાં આવેલ આ જ કારણને લઈને  એસપીએ કડક નિર્ણય લઇ જમાદારને ફેકી દીધા છે. આ જગ્યાએ દ્વારકાથી એક જમાદારને બેસાડી દેવામાં પણ આવ્યા છે. જમાદાર ગીરીરાજનો ભૂતકાળ પણ ભવ્ય હોવાનું જાણવા મળ્યું  છે. પોલીસ વર્તુળનું માનવામાં આવે તો પોતે કરેલ ‘પ્રસંસનિય’ સેવાને કારણે જ ગીરીરાજને દ્વારકા જીલ્લામાં ફરજ બજાવવા મુકવામાં આવ્યા છે.

મહાકાય કંપનીના ઉચ્ચ અધિકારી સાથે ‘લપ’ થઇને ગોહિલ ગો થયા’તા ?

લોકડાઉન વખતે પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા ગીરીરાજને પણ ફરજ સોંપવામાં આવી હતી. ધોરીમાર્ગ પર ચેકિંગ દરમિયાન એક મહાકાય કંપનીના અધિકારીની કારને આંતરી લઇ આડા અવળા સવાલો કરી પોતાની કાબેલિયત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ ઘટનાના ૨૪ કલાક બાદ જ ગીરીરાજને ફિલ્ડમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ પ્રબળ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here