કાલાવડના બે વેપારીઓએને વેપારના બહાને રાજસ્થાન બોલાવી અજાણ્યા સખ્સોએ છ લાખ ઉપરાંતની રકમની લુંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. કપાસનો વ્યાપાર કરતા બંને ભાગીદારોનો ફેસબુક પર સંપર્ક કરી લુટારુ સખ્સોએ રાજસ્થાન બોલાવી અલવાર પાસે અજ્ઞાત સ્થળે લઇ જઈ છરી અને બંદુક બતાવી રોકડ ઉપરાંત ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા 6.૧૫ લાખની છેતરપીંડી આચરી છે. લુંટી લીધા બાદ અજ્ઞાત સખ્સોએ બંને વેપારીને પરત પહોચવા માટે રૂપિયા પાંચ હજાર આપી ફરિયાદ કરી છે તો જાનથી પતાવી નાખ્સું એવી ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ, કાલાવડમાં રહેતા મૌલીકભાઇ ડાયાભાઇ નાનજીભાઇ સાવલીયા અને ભાવેશભાઈ મનસુખભાઈ હીરપરા સાથે મળીને કપાસનો વેપાર કરે છે. એક દિવસ ભાવેશભાઈના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે હું રાજસ્થાનના અલવરથી બોલું છું. તમે જે કપાસનો વેપાર કરો છો એવો કપાસ મારી પાસે છે અને વેચવાનો છે. મેં તમારો સંપર્ક ફેસબુક પરથી કર્યો છે. એમ કહી અજાણ્યા વ્યક્તિએ પોતાની પાસે રહેલા કપાસના ફોટા મોકલ્યા હતા. આ કપાસ પસંદ પડી જતા બંને ભાગીદારોએ અલવર જઈ વેપાર કરવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ બંને રાજસ્થાન ગયા હતા જ્યાં અલવરમાં અજાણ્યો સખ્સ તેના અન્ય બે સાગરિત સાથે એક બોલેરો લઇ આવ્યો હતો અને અલવરથી ૩૦ કિમી દુર એક ગ્રામ્ય વિસ્તારમાં અવાવરું જગ્યાએ આવેલ ખેતરમાં લઇ ગયો હતો.
રાજસ્થાનના અલવર શહેર ખાતે બોલાવી અલવર થી આશરે ત્રીસ થી ચાલીસેક કી.મી. આગળ એક ગામમાં ખેતરમા રહેલ બંધ પોલ્ટ્રી ફાર્મની ઓરડીમા લઇ જઇ ચાર અજાણ્યા આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ રચી બંને વેપારીઓ સામે ભુંડા ગાળો બોલી છરી તથા દેશી તમંચા જેવું હથીયાર બતાવી, ભાવેશભાઇને ઝાપટો તથા ઢીકા પાટુનો માર મારી, બંનેના ખીસ્સામાં રહેલ રૂ.૧૫,૦૦૦ ઝુંટવી લઇ તથા બેંક એકાઉન્ટમા રહેલ રૂપીયા ૨,૦૦,૦૦૦ તથા મોલિકભાઈના મિત્ર સતીષભાઇ પાસેથી ઓનલાઇન રૂપીયા ૪,૦૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી કુલ રૂપીયા ૬,૧૫,૦૦૦ લુંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરી થી બંનેને જીપમાં બેસાડી હાઈવે પર છોડી. પરત આવવા માટે રૂપિયા પાંચ હજાર આપ્યા હતા. અને છોડતા સમયે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી હતી. પરત આવેલ બંને વેપારીઓએ પોલીસની સંપર્ક કરી રાજસ્થાનમાં થયેલ લુંટ અંગે અજ્ઞાત સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.