જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં કાર ચાલકે કાર પુર ઝડપે ચલાવી શેરીમાં બેસેલ મહિલાને અડફેટે ચડાવતા મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. શહેરમાં કોમન પ્લોટના અભાવે મોટા ભાગની શેરીઓમાં ફોર વિલ પાર્ક થતા હોવાથી આજે આ જ સમસ્યાએ બે માસુમ પુત્રીઓએ માતાની હુંફ ગુમાવી છે. આગામી સમયમાં આ સમસ્યા વિકરાળરૂપ ધારણ કરેશે અને વધુ જીવલેણ અક્સમાત થવાની સંભાવના છે.
જામનગરમાં રણજીત sagar રોડ પર આવેલ પંચવટી સોસાયટી, શેરી નં-૫માં રહેતા ભાવેશભાઇ જમનભાઇ ચાંગાણીના પત્ની ગઈ તા. ૨૧મીના રોજ પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે સાંજના સમયે પાડોશી દિનેશભાઇ રામજીભાઇ પીપરીયાએ પોતાની વેગનાર કાર પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી હતી. જેમાં ભાવેશભાઈના પત્ની જ્યોત્સનાબેન ઉવ ૩૯ કારની ઠોકરે ચડી જતા કમરના ઉપરના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને બેસુધ્ધ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કર્યા હતા. દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસનું કારખાનું ધરાવતા ભાવેશભાઈને સંતાનમાં બે પુત્રીઓ છે. ઘટના સમયે તેઓ અને તેમની પુત્રીઓ ઘરમાં હતા જયારે તેમના પત્ની ઘરની બહાર બેઠા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. બહાર મોટે મોટેથી અવાજ આવતા તેઓ ઘરની બહાર આવ્યા હતા ત્યારે કાર દીવાલ સાથે અથડાયેલ હતી અને તેઓના પત્ની શેરીમાં બેસુધ્ધ હાલતમાં પડ્યા હતા. આ બનાવ બાદ તેણીને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા.ભાવેશભાઈને સંતાનમાં બે પુત્રીઓ છે જેમાં પરી ઉવ ૧૦ અને ચાહત ઉવ 7 છે. માતાના અચાનક મૃત્યુથી બે માસુમ પુત્રીઓએ માતાની ગોદ ગુમાવી છે.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને બિલ્ડરોની મિલીભગતથી શહેરની મોટાભાગની સોસાયટીઓમાં કોમન પ્લોટનું અસ્તિત્વ જ નથી. જેથી વર્ષેને વર્ષે વધતા જતા ફોર વિલ વાહનો આ સોસાયટી ધારકો પોતાના ઘરની બહાર જ પાર્ક કરે છે. જે વાહનો આવાગમ સમયે અનેક અકસમાતોને અંજામ આપે છે. આજે જીવલેણ બનાવ સામે આવ્યો છે. આ તો શરૂઆત છે જો આમ જ ફોરવિલની સંખ્યા વધતી ચાલશે તો હજુ વધુ જીવલેણ અકસ્માતો સામે આવશે જ, વધુ નાગરિકોના ભોગ ન લેવાય તે પૂર્વે પોલીસે અને મહાનગરપાલિકાએ આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ એમ જનતાનો મત છે.