જામનગર : કોરોનાની ત્રીજી લહેર અટકાવવા એક્શન પ્લાન

0
1480

જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ની ત્રીજી લહેરને અટકાવવાના આગોતરા પગલાંરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં પુનઃ ધનવંતરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં આરોગ્યની ૧૪ ટીમો ધનવંતરી રથો સાથે સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક દરમિયાન એમ દરરોજ બે ગ્રામ વિસ્તારોમાં ઓ.પી.ડી માટે કાર્યરત થઇ ચૂકી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્યની ટીમ દ્વારા તપાસવામાં આવશે. ગ્રામજનો ધન્વંતરી આરોગ્ય રથનો અને તેની આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લઇ શકે તે માટે ગામમાં આશા તથા અન્ય સ્ટાફ દ્વારા ગ્રામજનોને અગાઉથી જ જાણ કરવામાં આવી રહી છે.


વળી સોમવાર તા. ૧૦ જાન્યુઆરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગની સુવિધાઓને વધુ વ્યાપક સ્તરે વિકસાવવા, લોકોને સરળતાથી કોવિડ ટેસ્ટ તેમજ તપાસણી થઈ શકે તે માટે ધ્રોલ નગરપાલિકા, જામજોધપુર નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા, જોડીયા ગામ, લાલપુર ગામ અને સિક્કા નગરપાલિકા વિસ્તારમાં લોકોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કોવિડ ટેસ્ટિંગ ડોમનો પ્રારંભ પણ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોને નજીકના સ્થળે જ ટેસ્ટિંગની વ્યવસ્થા આપવામાં આવશે.આ ટેસ્ટીંગ બુથો પર લોકો નિ:શુલ્ક એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવી શકશે અને કોરોના અટકાયત માટે તંત્રને સહાયરૂપ બની શકશે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ સંક્રમણના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જામનગરની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી સચિવશ્રી નલીન ઉપાધ્યાય તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સૌરભ પારધી દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, શહેર અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જોકે બીજી લહેરના અનુભવોમાંથી આગોતરી તૈયારીથી સજ્જ થઇ ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તે માટે આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેની કામગીરીનો વિસ્તાર કરવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં તાલુકા દીઠ એક ક્લાસ વન અધિકારીને નોડલ તરીકે નિમણૂંક કરી ગ્રામ્ય સ્તરે પણ વધુ મજબૂત આરોગ્ય સેવાઓ અને કોરોના સંક્રમણની અટકાયત કામગીરી કરવામાં આવનાર છે.
મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ મંત્રીશ્રીએ લોકોને કોરોનાના લક્ષણો જણાતા તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ કમિશનરશ્રી વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક શ્રી રાયજાદા, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શ્રી. એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડિનશ્રી નંદિની દેસાઇ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી દિપક તિવારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, એમઓએચશ્રી જે.એમ.સી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here