જામનગર અપડેટ્સ: 11 વર્ષીય એઝાઝખાન મોગલ નામનો બાળક સોમવારના રોજ જામનગર જિલ્લાના બાડા ગામ થી ચાવડા ગામ તરફ જતા રૂપારેલ નદીના ચેકડેમ પાસે આવેલી નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 194 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. બનાવ સંદર્ભે મૃતકના 48 વર્ષીય પિતા અયુબ ખાન મોગલનું પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે. જે અંતર્ગત એઝાઝ ખાન મોગલ સોમવારના રોજ પોતાના પિતા તેમજ બહેન રોહિના તથા જીયાન સાથે રૂપારેલ નદી ખાતે માછલીઓને મમરા નાખતા હતા. તે દરમિયાન મમરા નાખતા નાખતા એજાઝ ખાન ઊંડા પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
11 વર્ષીય બાળક નદીઓના પાણીમાં ડૂબી ગયો છે તે બાબતની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નદીના પાણીમાંથી બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ મૃતકના કુટુંબીજનો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યા હતા. મૃતક અને તેનો પરિવાર જામનગરના કાલાવડ નાકા કલ્યાણ ચોક ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. સોમવારના રોજ ઈદ એ મિલાદની રજા હોવાના કારણે અયુબ ખાન મોગલ પોતાના બાળકોને માછલીઓને મમરા ખવડાવવા માટે રૂપારેલ નદી ખાતે ગયા હતા.