જામનગર : જામનગર નજીકના કાંનાછીકારી ગામે બાંધકામની સાઇટ પર ઘટેલી ગોઝારી ઘટનામાં એક યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવને પગલે મૃતકના પરિવાર અને મેઘપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાલપુર તાલુકાના કાનાછીકારી ગામે ઘટેલી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલે તા.24મીના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે સીમ વિસ્તારમાં ચાંમુડા કૃપા ક્ધટ્રકશન સાઇડ પર માર્બલ કાપવાની કામગીરી ચાલતી હતી ત્યારે મેજર ટેપથી લાદી માપી રહેલા વિપુલ દેવરાજભાઇ રાઠોડ (ઉ.વ.32) રે.મેઘપર રાજૂદત નગર તાલુકો લાલપુરવાળા પર લાદીનો થપ્પો ઉપર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. દરમ્યાન યુવાનને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેમનું આજે બપોરે સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું આ બનાવ અંગે મુકેશભાઇ પ્રાગજીભાઇ વાઘેલાએ જાણ કરતા મેઘપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પુત્રના અચાનક મોતથી કુંભાર પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.