જામનગર : હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ વધુ પ્રબળ ન બને તે હેતુથી સરકાર તમામ ઉત્સવો બંધ રાખ્યા છે છેલ્લે ગણપતિ ઉત્સવ પર પણ પ્રાબંદી લાદી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી પંડાલ અને જાહેરમાં વિસર્જનની મનાઈ કરી દીધી છે છતાં પણ આજે જામનગર નજીક ગણેશ વિસર્જન વેળાએ અનહોની સર્જાઈ હતી. ગણેશ વિસર્જન કરવા ગયેલ જામનગરના એક ગ્રુપમાં સામેલ પર પ્રાંતીય યુવાન બેડ નજીકની નદીમાં ગુમ થઇ ગયો છે. આ બનાવના પગલે જામનગર ફાયરની ટીમ સ્થળ પર પહોચી યુવાનની શોધખોળ શરુ કરી છે.
રામનવમી, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ સહિતના તહેવારોની જાહેરમાં ઉજવણી પર આ વખતે સરકારે પ્રતિબંધ મુક્યો છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા જુદા જુદા જાહેરનામાં બહાર પાડ્યા છે. જેમાં ગણેશ ઉત્સવને લઈને જાહેરમાં પંડાલ અને વિસર્જનની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. છતાં પણ આજે જામનગરથી એક ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જામનગર નજીક ખંભાલીયા રોડ પર આવેલ બેડ ગામની નદીમાં આ ગ્રુપ દ્વારા આજે બપોરે ગણેશ વિસર્જન કરવામાં આવ્યા હતા. જે તે સમયે એક યુવાન નદીના ઊંડા પાણીમાં ગરક થઇ જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે હાજર લોકોએ જામનગર ફાયર અને પોલીસને જાણ કરી હતી. જેને લઈને ફાયરની એક ટીમ અને પંચકોશી બી ડીવીજન અને સિક્કા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ફાયર દ્વારા નાની બોટના સહારે ડૂબી ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
