જામનગર : પીપાવાવની એક સીપીંગ કંપનીમાં નોકરી કરતા જામનગરના એક યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ મહિલાઓ સહીત પાંચ સખ્સોએ દબાણ કરતા અંતે યુવાનને ઝેર પીવાનો વખત આવ્યો છે. માત્ર ૧૫ હજારની નોકરી કરતા સામાન્ય નોકરિયાત એવા યુવાન પર ૬ થી સાત લાખ રૂપિયાનું ૧૦ થી ૧૫ ટકા વ્યાજ વસુલાતું હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીતા પૂર્વે યુવાને એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તમામ બીનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જામનગરમાં દિગ્જામ વુલનમીલ પાછળ,ડીફેન્સ કોલોની,રામ મંદિર વાળી શેરીમાં રહેતા ફુઈના ઘરે રહેતા અને રાજુલાના પીપાવાવની એક ખાનગી સીપીંગ કંપનીમાં નોકરી કરતા હિરેનભાઇ જમનભાઇ ધાડીયા ઉવ ૩૮ નામના યુવાને અઠવાડિયા પૂર્વે તા.૧૬મીના રોજ જંતુનાશક મોનોકોટો નામની દવા પી આયખું તુકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવાનનું નિવેદન નોંધ્યું ત્યારે આ સમગ્ર પ્રકરણ વ્યાજખોરોના ત્રાસના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. દસ વર્ષ પૂર્વે બ્રાસના ધંધામાં ખોટ જતા યુવાને એક પછી એક એમ પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ફુઈના ઘર નજીક રહેતા રેખાબેન પાસેથી છ વર્ષ પૂર્વે અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જયારે આ મહિલાને વ્યાજ ચૂકવવા અને અન્ય વ્યવહાર પુરા કરવા માટે શીલાબેન પાસેથી ત્રણ વર્ષ પહેલા દોઢ લાખ રૂપિયા અને સાત માસ પૂર્વે કિરણબેન પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા. આ ઉપરાંત હિરેનભાઈએ ચરણજીતસિંહ પાસેથી રૂપિયા ૮૦ હજારની રકમ લીધી હતી. જયારે આરોપી નારૂભા પાસેથી રૂપિયા ૭૦ હજારની મૂડી વ્યાજે લીધી હતી.આ તમામને સમયે સમયે ૧૦ થી ૧૫ ટકા વ્યાજ ચૂકતે કરી દેવામાં આવતું હોવાનું હિરેનભાઈએ પોલીસમાં નિવેદન આપ્યું છે છતાં પણ તમામ સખ્સોએ વધારે રકમ માંગી સતત ધાકધમકીઓ આપી હતી. આરોપીઓના ત્રાસથી કંટાળી હિરેનભાઈએ ગત તા. ૧૬મીના રોજ અગ્યાર વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે યુવાનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ત્રણ મહિલા સહીત પાંચેય સખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.