જામનગર: કોણ બનશે સાંસદ? બપોર સુધીમાં પરિણામ, આવી છે ગણતરીની સીસ્ટમ ?

0
715

જામનગર સહિત રાજયની તમામ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓની મત ગણતરી આગામી તા. 4 જુનના રોજ યોજાશે. મતગણતરીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છેજામનગર જિલ્લાની લોકસભા બેઠકની મતગણતરી જામનગરના હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે મતગણતરીને લઈને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે અને તમામ સ્ટાફની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.

સાત વિધાનસભા બેઠકો પર સાત ખંડમાં આવી રીતે થશે ગણતરી

જામનગર લોકસભા બેઠક પર 57 % ઉપરાંત મતદાન થયું છે. આંકડાની વાત કરવામાં આવે તો 18 લાખ ઉપરાંત મતદારો પૈકી 10,48,251 મતદારોએ પોતાની ફરજ અદા કરી છે. મતગણતરીની પ્રક્રિયા વિશે પ્રકાશ ચૂટણી અધિકારીએ જણાવ્યું હતું કે કુલ 7 વિધાનસભા બેઠકો માટે 7 હોલમાં 98 ટેબલ ગોઠવવામાં આવશે. 76 કાલાવડ વિધાનસભા બેઠક માટે 12 ટેબલ પર 24 રાઉન્ડમાં, 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે 12 ટેબલ પર 23 રાઉન્ડ, 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે 12 ટેબલ પર 20 રાઉન્ડ, 79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે 12 ટેબલ પર 17 રાઉન્ડ અને 80 જામજોધપુર વિધાનસભા બેઠક માટે 12 ટેબલ પર 23 રાઉન્ડમાં મત ગણતરી થશે, જ્યારે જામનગર લોકસભામાં સમાવેશ પામતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા વિધાનસભા બેઠકની 14 ટેબલ પર 24 રાઉન્ડમાં અને દ્વારકા વિધાનસભા બેઠક પર 12 ટેબલમાં 26 રાઉન્ડની ગણતરી કરવામાં આવશે.

અધિકારીઓને કક્ષા પ્રમાણે કામ કામગીરી સોપશે

આ માટે તમામ કાર્યવાહીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગે હરિયા કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર ગણતરી શરૂ કરાશે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

મતગણતરી સ્ટાફનું ત્રણ વખત રેન્ડમાઈઝેશન, કોણે કોણે પ્રવેશ મળે ?

તા. 2 જૂન સુધીમાં મતગણતરી માટેના ઑબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે. મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથક પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે.

થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાશે

અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરી શરુ કરાશે. કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે.

કોણ કોણ જઈ શકશે કેન્દ્ર અંદર ?

ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વોટ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન (લેન્ડલાઈન) અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

કોણ કોણ મોબાઈલ અંદર મોબાઈલ લઇ જઈ શકે ?

ETPBSની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક OTP મેળવવા રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર તથા પબ્લિક કૉમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here