દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના નાગડા ગામના મહિલા સરપંચ અને તેના પુત્રને એસીબીએ રૂપિયા એક લાખ દશ હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. ગામની હદમાં આવતા સિહણ ડેમની જમીનમાંથી માટી કાઢવાના કામમાં રોકટોક નહી કરવા બંનેએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. એસીબીએ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાલીયા તાલુકાના નાગડા ગામેં સીમ વિસ્તારમાં આવેલ સિંહણ ડેમની જમીનમાંથી માટી-કાપ ખોદી અન્યત્ર લઇ જવાના કામ માટે ગામના સરપંચ લાખીબાઈ મેરામણભાઇ ગુજરીયા અને તેના પુત્ર ફૂલસુરભાઈ ઉર્ફે ફુલાભાઈ મેરામણભાઇ ઉર્ફે મેરાભાઈ ગુજરીયાએ કામ કરી રહેલ આસામીને કામમાં અડચણ ઊભી નહિ કરવા તથા હેરાનગતિ નહિ કરવાના અવેજ પેટે લાંચની માંગણી કરી હતી. જેને લઈને આસામીએ તાત્કાલિક એસીબી ખંભાલીયાનો સંપર્ક કર્યો હતો. એસીબી પીઆઈ દેકાવાડિયાએ તાત્કાલિક ટ્રેપ ઘડી કાઢી, જામનગર રોડ પર આવેલ આરાધના ધામ નજીક રોડ પર ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.૧,૧૦,૦૦૦ ગેરકાયદેસર લાંચ લેતા સરપંચ પુત્ર ફૂલસુરને એસીબીએ પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેનોના સરપંચ માતૃશ્રીને પણ એસીબીએ પકડી પાડી હિરાસતમાં લીધા હતા.