જામનગર : કોણ કહે છે સ્ટ્રોબેરી જામનગરમાં ન પાકે ? આ ખેડૂતે સાબિત કર્યું, આવી છે સફળ કહાની

0
658

જામનગર : રાજ્યમાં બાગાયત ખેતીને પ્રોત્સાહન મળે અને નવા-નવા પાકો દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત મહત્વના નિર્ણય લઇ નવી યોજનાઓ થકી ખેડૂતોને વાવણીથી વેચાણ સુધીની તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ અન્ય દેશોના, અન્ય રાજ્યોના નવા બાગાયતી પાકોની ખેતી ગુજરાતમાં કરી ગુણવત્તાલક્ષી ફળ/ફૂલોનું ઉત્પાદન કરીને વૈશ્વિક કક્ષાએ વેચાણ કરી રહ્યા છે. સતત નવા પ્રયોગો અને તેમાં મળતી રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે.

 જામનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નવા-નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમ્રુદ્ધ ખેતી તરફ કરવામાં આવી રહેલી સરકારની પહેલને સહકાર આપવામાંઆવી રહ્યો છે. જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે.

કાલાવડના આણંદપર ગામના વિશાલભાઈ જેસડીયાએ પોતાના અભ્યાસને અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે.વિશાલભાઈએ એક વીઘામાં ૬૦૦૦ જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલ હતું.આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર એક મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઇ ગયું. આજે માત્ર એક વીઘાના વાવેતરમાંથી વિશાલભાઈએ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે. જેમાંથી તેમણે રાજકોટ અને જામનગર જિલ્લામાં વેચાણ કરી અંદાજીત રૂ.૨ લાખ ૪૦ હજારજેટલો નફો મેળવી માત્ર બે મહિનામાં પોતાની આવકમાં વધારો કર્યો છે, આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કરેલો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે.

બી.એસ.સી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરેલ વિશાલભાઈએ ફર્ટિલાઇઝર કંપનીના રૂ.૬ લાખ વાર્ષિક પેકેજની નોકરીને છોડીને અચાનક જ પારિવારિક ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે પણ તેમને ખૂબ સહકાર આપ્યો. બાગાયત વિભાગ દ્વારા જોડાયેલ ખેડૂતોને દર વર્ષે વિભાગ દ્વારા ખેતીલક્ષી પ્રવાસમાં લઇ જવામાં આવતા હોય છે. આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલની વાય. એસ. પરમાર યુનિવર્સિટીમાં સ્ટ્રોબેરીની જાતો વિશે વિશાલભાઈને વધુ જાણવા મળ્યું.

વિશાલભાઈ કહે છે કે મને એમ જ ખ્યાલ હતો કે,“સ્ટ્રોબેરી મોટાભાગે ઠંડા પ્રદેશોમાં ઉત્પાદન કરી શકાય છે પરંતુ બાગાયત વિભાગના પ્રવાસ દ્વારા જાણવા મળ્યું કે, વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં પણ શિયાળુ પાકમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરી શકાય છે. વળી ન્યુટ્રીશનમેનેજમેન્ટ વિશે પણ વધુ ખ્યાલ હોવાથી આ પાકને જામનગરના અમારા ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવાનો અમે નિર્ણય લીધો. અમારા ખેતરમાં અમે વિન્ટર ડાઉન અને કેમેરોજા બે પ્રકારની સ્ટ્રોબેરીની જાતની વાવણી કરી છે, સાથે જ સ્ટ્રોબેરીએ માવજત માંગી લે તેવો પાક છે. જેમાં ફળોને જમીનનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. આ સમયે અમે સ્ટ્રોબેરીમાં મલ્ચીંગનો ઉપયોગ કર્યો, જેના કારણે લેબર કોસ્ટ પણ ઘટી, નિંદામણનો પ્રશ્ન પણ અમારે હલ થયો અને સાથે સ્ટ્રોબેરીને જોઈતો ભેજ, હવા અને જમીનનો સ્પર્શ થતો અટકાવી શક્યા.

 કોઈપણ પાકમાં મલ્ચીંગ ખૂબ જ સારું પરિણામ આપે છે.નિંદામણનો અટકાવ, જંતુનાશકોનો ખૂબ ઓછો વપરાશ, ઓછા પાણીનો ઉપયોગ મલ્ચીંગમાં થાય છે. પાકોમાં મલ્ચીંગનો પ્રયોગ ખૂબ ઓછા રોકાણમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદનની ખાત્રી આપે છે.આમ, અન્ય ખેડૂતોને પણ પોતાનાપાકમાં મલ્ચીંગનો ઉપયોગ કરવાની વિશાલભાઇ સલાહ આપે છે. વિશાલભાઈ અને તેના ભાઈ જયેશભાઈ જેસડીયાદ્વારા પારિવારિક ખેતીને નવા આયામો પર લઈ જવા માટે આગામી દિવસોમાં સંપૂર્ણ ખેતી નવા બાગાયતી પાકો અને એક્ઝોટિક વેજીટેબલ તરફ લઈ જવાનો નિર્ધાર કરવામાંઆવ્યો છે. વિશાલભાઈના પિતા લવજીભાઈ જેસડીયાની૩૨વીઘા વિસ્તારમાં ખેતપ્રવૃતિ થકી અનેકવિધ પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં બાર વીઘા વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતી પણ કરવામાં આવે છે.આ ઉપરાંત જેસડીયા પરિવારે નર્સરીનો પ્રયોગ પણ અપનાવેલ છે, જેમાં ડ્રેગન ફ્રૂટના ૬૫૦૦૦ જેટલા રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.બાગાયતી પાકો દ્વારા ખૂબ ઓછા સમયગાળામાં ખેડૂતો પોતાની આવક ખૂબ સારા પ્રમાણમાં વધારી શકે છે તેમ જણાવી વિશાલભાઈ અન્ય ખેડૂતોને પણ સંદેશ આપે છે કે, “ સરકાર ખેડૂતોને દરેક પગલે સહાય અને માર્ગદર્શન આપે છે તેનો લાભ લઈ અન્ય ખેડૂતો પણ માત્ર પરંપરાગત પાકોના બદલે નવા પાકોના પ્રયોગો હાથ ધરીને નવીન ખેતી તરફ વળે તો ખેતી દરેક ખેડૂતને અતિ સમૃદ્ધ બનાવવા સક્ષમ છે તેનો પુરાવો અમે છીએ. તો અન્ય પણ આમાંથી પ્રેરણા લઇ આગળ વધે અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લે તો ગુજરાતના ખેડૂતને ક્યારે કોઇ અટકાવી શકે તેમ નથી.”

સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશફોટો- ગજેન્દ્રસિંહ જાડેજા,માહિતી બ્યુરો,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here