જામનગર : જામનગર જીલ્લામાં આજે મેઘરાજાએ તમામ તાલુકાઓમાં એક થી બે ઇંચ જેટલી કૃપા વરસાવી છે. જેમાં કાલાવડ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ફોફળ બે ડેમ ઓવર ફલો થઇ ગયો છે.
જામનગર જીલ્લામાં આજે દિવસ દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં એક ઇંચ, જામજોધપુરમાં સવા ઇંચ, જોડીયામાં પણ એક ઇંચ, ધ્રોલમાં અડધો ઇંચ, કાલાવડમાં પણ અડધો ઇંચ વરસાદ સતાવાર રીતે નોંધાયો છે, જયારે સૌથી વધુ લાલપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં એક થી ચાર ઇંચ વરસાદ વર્ષી ગયો હોવાના બિન સતાવાર અહેવાલો સાંપડ્યા છે. કાલાવડ પંથકમાં પડેલ ભારે વરસાદનાં કારણે વધુ એક વખત ફોફળ બે ડેમ ફરી વખત ઓવર ફલો થયો છે. જેને લઈને સિચાઈ વિભાગે કાલાવડના ગુંદા, માખા કરોડ, કાલમેઘડા અને રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના આંબરડી ગામને ચેતવણી આપવામાં આવી છે. ડેમની નીચાન વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવી છે. સાંજે સાત વાગ્યે ડેમમાં ૨૭૯ કયુસેકની આવક સામે ૨૭૯ કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી.