જામનગર : હદ કરી !!! વારસાઈ જમીન માટે પુત્રએ હયાત માતાને સરકારી ચોપડે મૃત જાહેર કર્યા

0
357

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગજર ગામે રહેતા એક સખ્સે પોતાના પિતાની વારસાઈ જમીન પોતાના નામે કરી લેવા હયાત માતાને મૃત જાહેર કરી, ભાઈ-બહેનોની હયાતી છુપાવી જમીન પોતાના નામે કરી લેવા પ્રયાસ કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. સરકારી કાગળો તૈયાર કરવામાં મદદગારી કરનાર બે પંચને પણ આરોપી તરીકે દર્શાવાયા છે.

કાલાવડ તાલુકાના નાનીનાગાજર ગામે બે વર્ષ પૂર્વે વિરમભાઈ દેવસીભાઈ ગમારાની વારસાઈ જમીન પોતાના નામે કરવામાં માટે તેના પુત્ર રામજી ગમારાએ વર્ષ ૨૦૧૮માં સ્થાનિક ગ્રામ પંચાયતમાંથી ખોટો વારસાઈ આંબો તૈયાર કરાવી લીધો હતો. ખોટા દસ્તાવેજ તૈયાર કરી પોતાનું એકલાનું નામ વારસદાર તરીકે રાખવા માટે વારસાઈ નોંધ કરાવી હતી. આ વારસાઈ નોંધમાં જે તે સમયના તલાટી મંત્રીની ખોટી સહિઓ કરી હતી. આટલું ઓછું હોય તેમ પોતાના જીવિત માતા રૈયાબેન વિરમભાઈ ગમારાનું અવસાન થયું  છે એવું ખોટું પ્રમાણપત્ર કઢાવી લઇ, સાચા તરીકે ઉપયોગ કરી વારસાઈ નોંધ કરાવવા આગળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીએ પોતાના ભાઈ કરમસી ગમારા, બહેનો જવીબેન અને જયાબેનની ઓળખ પણ છુપાવી હતી.

રામજીભાઈ તેના પિતાના એક માત્ર સીધી લીટીના વારસ હોવાની ખરાઈ કરતા પંચનામામાં કરણાભાઇ પબાભાઇ ગમારા તથા કીશોરભાઇ કરમશીભાઇ પારઘીએ સહીઓ કરી હતી. દરમિયાન ઈ-ધરામાં રજુ થયેલ પંચનામાં અંગે સર્કલને શંકા જતા તેઓએ નોંધ નામંજૂર કરી આ પ્રક્રિયા તકરારીમાં લઇ ગયા હતા. જેની ખરાઈ બાદ કાલાવડ મામલતદાર અને પ્રાંત અધિકારીએ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદનો રેફરન્સ આપ્યો હતો જેને લઈને હાલ સરવાણીયા ગામે નોકરી કરતા જે તે સમયના તલાટી મંત્રી નમ્રતાબેન મહેન્દ્રભાઈ ભટ્ટીએ મુખ્ય આરોપી અને પંચમાં સહી કરનાર બંને સખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આઈપીસી કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪,૧૧૪ મુજબ  ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here