જામનગર નજીકના વિભાપર ગામે રહેતા અને બ્રાસના ધંધાર્થીએ દિલ્લીના એક વેપારી સાથે વેપાર કર્યો હતો. ચાર માસ પુર્વે બ્રાસપાર્ટની ચીજવસ્તુ માલની ખરીદી કરી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનું બુચ મારી દીધું હોવાની ઘટના સાથે આવી છે. પોલીસે દિલ્લીના વેપારી સામે ફરિયાદ નોંધી છે.
જામનગર નજીકના વિભાપર ગામે રહેતા અને જીઆઈડીસી ફેસ-૩માં મહાવિર સર્કલ પાસે અભય મેટલટેક નામની બ્રાસની જુદી જુદી આઈટમ બનાવતા નીરજભાઇ નીલેશભાઇ દોમડીયાએ દિલ્લી નોઇડામાં આવેલ ગ્રીન ફોર્ડ એક્સપોર્ટ પેઢી વાળા મોહમદ હુસેન નામના વેપારી સામે પંચકોશી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી છે. નીરજભાઈ ભારતભરમાં બ્રાસની જુદી જુદી વસ્તુઓ ઓર્ડર મુજબ બનાવી સપ્લાય કરે છે. નીરજભાઈ મોટાભાગે પોતાનો વેપાર ઓનલાઈન વેબસાઈટ ઇન્ડીયા માર્ટ મારફતે કરે છે. દરમિયાન ગત એપ્રિલ માસના ગાળામાં દિલ્લી નોઇડાના વેપારીએ બ્રાસના બુસની જરૂરીયાત હોવાની રીક્વાયરમેન્ટ મૂકી હતી. જેને લઈને જામનગરના વેપારીએ દર્શાવેલ નંબર પર ફોન કર્યો હતો. દીલ્લાની ગ્રીન ફોર્ડ એક્સપોર્ટ પેઢીના મોહમદ હુસેન સાથે વાતચીત થતા તેઓએ ચાર હજાર બ્રાસના બુસનો ઓર્ડર આપ્યો હતો. એક બુશના ૧૧૨ રૂપિયા નક્કી થયા હતા. દિલ્લીના વેપારીએ જે તે સમયે રૂપિયા ૪૦ હજારનું પેમેન્ટ આરટીજીએસ સ્વરૂપે કર્યું હતું. બાકીનો માલ મળ્યે પેમેન્ટ કરી દેવાની ખાતરી આપી હતી.
જામનગરના વેપારીએ ઓનલાઈન ઓર્ડર લઇ નિયત મુજબનો માલ તૈયાર કરી ૪૨૨૫ નંગ બ્રાસના બુસની મુદ્દામાલ ટીસીઆઈ ફ્રાઈટ ટ્રાન્સપોરટ પેઢીમાં મોકલી આપ્યો હતો. માલ મળી ગયાનું કન્ફોર્મ થતા નીરજભાઈએ મોહમદને ફોન કરી રૂપિયા માંગ્યા હતા. પરંતુ એ દિવસથી માંડી આજ દિવસ સુધી રૂપિયા નહી ચૂકવી દિલ્લીના વેપારીએ આખરે નીરજભાઈના ફોન ઉપાડવા બંધ કરી દીધા હતા. દરમિયાન ગત માસે નીરજભાઈ પોતાના સબંધી સાથે વેપારીની પેઢી સુધી પહોચ્યા હતા. ત્યાં રૂબરૂ મળી રૂપિયાની ઉઘરાણી કરી હતી. દિલ્લીના વેપારીએ ફરી વાયદો આપી બંનેને રવાના કરી દીધા હતા. છેવટે આ વેપારીએ ફોન પર જ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા નીરજભાઈએ આખરે પોલીસમાં ફરિયાદ કરી છે. જેમાં વેપારીએ પોતાની સાથે રૂપિયા બાકી રહેતી બીલની રકમ રૂ.૫,૧૮,૩૭૬ પેઢીને નહી ચુકવી વિશ્વાસધાત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.