જામનગર અપડેટ્સ : જામનગરમાં મેડીકલ સ્ટોરની એજન્સી ધરાવતા એક પરણિત યુવાનના ઘરે પહોચેલી એક યુવતીએ પોતાના લગ્ન યુવાન સાથે જ થયા હોવાનો ખોટો આરોપ લગાવી દંગલ મચાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવતીએ પોતાને પત્ની બનાવવા દબાણ કરી ખોટા આરોપ લગાવ્યાની યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે.
જામનગરમાં એક યુવતીએ પરણિત યુવાનના ઘરે પહોચી ગંભીર આક્ષેપ લગાવ્યા હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેની વિગત એવી છે કે દિગ્વિજય પ્લોટ ૨૨ વિસ્તારમાં અંબીકા ડેરી પાછળ રહેતા અને એસટી રોડ પર મેડીકલ દવાણી એજન્સી ધરાવતા ધર્મેંન્દ્રભાઈ કિશોરભાઈ તન્ના ઉ.વ.૩૧ નામના યુવાને ચેતનાબેન બળવંતરાય ઈલસાણીયા રહે રણજીતનગર, સ્કુલ પાસે જામનગર વાળી મહિલા સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી યુવતી અવાર નવાર યુવાનની એજંસી તથા ઘર પાસે જઈ તેને તથા પરિવારને હેરાન પરેશાન કર્યા કરે છે. ઉપરાંત તેણીએ પોતાની સાથે પરાણે સબંધ રાખવા દબાણ કરતી હતી. દરમિયાન ગઈ કાલે વધુ એક વખતે યુવાનને ઘર પાસે જઈને ચેતના બેને બખેડો કર્યો હતો. જેમાં ધર્મેન્દ્રભાઇના માતા તથા પત્નિ સાથે બીભત્સ વાણી વિલાસ આચરી પુત્ર ધર્મેન્દ્ર સાથે લગ્ન થયેલ છે તેવો ખોટો આરોપ નાખી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત સાથે નહિ રહો તો જાનથી મારી નાખવાની ધમકી પણ તે યુવતીએ આપી હતી. આ બાબતે યુવાને તેણીની સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.