જામનગર : સચાણાના જાવીદે ૫૦૦ કરોડનું ડ્રગ્સ વેચી માર્યું

0
1713

જામનગર : દેવભૂમિ  દ્વારકા, મોરબી, જામનગર સહિત ત્રણ જિલ્લાને સાંકળતા એક હજાર કરોડ ઉપરાંતના ડ્રગ્સ પ્રકરણમાં જોડિયા-સચાણાના સખ્સોની સંડોવણી ખુલવા પામી છે. જોડિયાના સખ્સના ઇશારે સચાણાના જાવીદે પુણેના મરાઠા સખ્સ તેમજ એક નાઈઝીરીયન સખ્સની મદદથી રાજ્ય બહાર ૫૦૦ કરોડની કીમતનું ડ્રગ્સ વેચી માર્યું હોવાની  વિગતો સામે આવી છે. મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સ પકડાયું તે પૂર્વે પણ દશ કિલો ડ્રગ્સ વેચી મારવામાં આવ્યું હોવાનો પણ ખૂલાસો થયો છે. એટીએસની ટીમે સચાણાના સખ્સની ધરપકડ કરી બાર દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી છે. ગઈ કાલ સવારથી જ એટીએસની ટીમ જાવીદને સાથે રાખી સચાણા આવી હતી અને જે બોટમાં ડ્રગ્સ લઇ આવવામાં આવ્યું છે તે બોટ કબજે કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા પોલીસે જીલ્લાના ખંભાલીયા, સલાયામાંથી ૬૬ કિલો ડ્રગ્સ સાથે બે સ્થાનિક સહીત ત્રણ સખ્સોને પકડી પાડ્યા બાદ ગુજરાત એટીએસ યુવા ધનને ખોખલું કરતા નેટવર્ક પર તૂટી પડી છે. એટીએસ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામેથી એક સલાયાના સખ્સ સહીત ત્રણ સખ્સોને ૧૨૧ કિલો ડ્રગ્સ સાથે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાવદ્રા ગામેથી એક સખ્સને ૧૨૦ કીલો ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. આ સખ્સોની પૂછપરછ દરમિયાન જામનગર જીલ્લાના જોડિયાના પિતા પુત્ર પૈકી પકડાયેલ રહીમ નોડેએ બેડી બંદર નજીકથી બે કિલો ડ્રગ્સ કાઢી આપ્યું હતું. છેલ્લા પખવાડીયામાં ગુજરાત પોલીસે એક હજાર કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડી પાડી ૧૩ સખ્સોની ધરપકડ કરી છે.

છેલ્લે ધરપકડ કરાયેલ પંજાબ અને નાઈજીરીયન સખ્સના રિમાન્ડ દરમિયાન જામનગર જીલ્લાના સચાણાના એક અને એક પુનાના સખ્સની સંડોવણી ખુલવા પામી હતી જેને લઈને એટીએસ દ્વારા સચાણાના જાવીદ ઉર્ફે જાબીયર અને પુનેના સર્જેરાવ  કેશવરાવ ગરડને પકડી પાડ્યા હતા. આ કાર્યવાહી પૂર્વે પકડાયેલ જોડીયાના ઈશા રાવે કબુલાત કરી હતી કે સચાના જાબિયર ઉર્ફે જાવિદે પુનેના મરાઠા સખ્સને ૫00 કરોડનું ડ્રગ્સ સપ્લાય કરી દેવાયું છે. એટીએસની ટીમે આ બંને સખ્સોને મોરબી કોર્ટમાં રજુ કરી બાર દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ ફરી જામનગર જીલ્લા તરફ લંબાવ્યો છે. ગઈ કાલે જાવીદને સાથે રાખી એટીએસની ટીમ સચાણા આવી હતી. બપોરે આવી પહોચેલી ટીમે બંદરીય વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. જેમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં ઉપયોગમાં લેવાયેલ એક બોટ કબજે કરવામાં આવી છે.

જે સો કિલો ડ્રગ્સ વેચી મારવામાં આવ્યું છે તે મોરબી કન્સાઈન્મેન્ટનો ભાગ જ હતું કે અન્ય રેકેટ છે ? આ ડ્રગ્સમાં કોણ કોણ સંડોવાયું છે. તેમજ રૂપિયાની હેરાફેરીમાં કયા નેટવર્કનો ઉપયોગ થયો છે ? સહિતની બાબતનો તાગ મેળવવા એટીએસની ટીમ હાલ સચાણા અને પુણેના સખ્સની પૂછપરછ કરી રહી છે. જે સો કિલો ડ્રગ્સ પુણે અને દિલ્લી આસપાસ વેચી મારવામાં આવ્યું છે તે ડ્રગ્સ જોડિયાના ઈશા રાવના ઇસારે જ જાવીદ અને મરાઠા સખ્સે સગેવગે કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ ડ્રગ્સ પણ અરબી સમુદ્રના રસ્તે વાયા પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here