જામનગર : ક્યાંક બળદગાડામાં તો ક્યાંક સુત્રોચાર સાથે કરાયો વિરોધ, આવો રહ્યો ભારતબંધનો માહોલ

0
589

જામનગર અપડેટ્સ : જામનગર શહેર સહિત જીલ્લાભરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.સવારથી જ કોગ્રેસી કાર્યકારી શહેર સહિત જીલ્લાભરમાં પ્રદર્શનો અને બંધમાં જોડાવવાની અપીલ કરવા નીકળી પડ્યા હતા. જામનગર શહેરમાં મહાનગર પાલિકાના નગરસેવકો, યુથ, મહિલા અને એનએસયુઆઈ સંગઠન પણ જોડાયું હતું. પોલીસે જુદા જુદા સ્થળોએ પ્રદર્શન કરતા આ તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. લાલપુર ચોકડી પાસેથી મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી. જયારે સિક્કા-બેડ પાસેથી જીલ્લા પંચાયતના ઉપર પ્રમુખ વસરામભાઈ રાઠોડ, સંગઠનના પ્રમુખ, લાલપુર કોંગ્રેસના હોદ્દેદારોની સિક્કા પોલીસ અટકાયત કરી હતી.

પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી સહારાબેન મકવાણાની અનુપમ ટોકીઝ પાસેથી, પુજાબેન નકુમની ટાઉનહોલ નજીકથી અને કોર્પોરેટર યુસુફભાઇ ખફી, પૂર્વ વિરોધપક્ષના નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજીની મદ્રેસા સ્કુલ કાલાવડ નાકા પાસેથી, એન.એસ.યુ.આઇ., યુથ કોંગ્રેસના મહિપાલસિંહ, શકિતસિંહ અને તૌસીફખાન પઠાણની બેડીગેઇટ અનુપમ ટોકીઝ પાસેથી અટકાયત કરવામાં આવી હતી.

જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ-જોડિયા સહિતના તાલુકાઓમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારે બે-ત્રણ કલાક બજાર બંધ રહ્યા બાદ ધીરે ધીરે બજાર ખુલવા લાગી હતી. તાલુકા  મથકોએ દેખાવો કરનાર કાલાવડ ધારાસભ્ય પ્રવીણ મુસળીયા અને જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા તેમજ જીલ્લા તાલુકા સંગઠનના હોદેદારોની પોલીસે અટકાયત કરી હતી. જામનગરમાં કોગ્રેસના કોર્પોરેટર જેનબ ખફી બળદ ગાડામાં સવાર થઇ વિરોધ દર્શાવવા નીકળ્યા હતા.

બીજી તરફ જીલ્લાભરના માર્કેટિંગ યાર્ડ ખુલ્લા રહ્યા હતા પરંતું વેપારી એસોએ બંધને સમર્થન આપતા મોટાભાગનું ખરીદ વેચાણ બંધ રહ્યું હતું. જામનગર યાર્ડ ખાતે મગફળીને બાદ કરતા કપાસ, જીરું, જુવાર, ઘઉ, ચણા તલની આવક થઇ હતી. જો કે વેપારીઓએ હરાજીમાં ભાગ નહી લેતા અનાજની ખરીદ પ્રક્રિયા થઇ ન હતી એમ યાર્ડ સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.
આજે એક ચિત્ર સામે આવ્યું હતું કે ખેડૂત આગેવાનો અને ખેડૂતોની હીત વિચારતી સંસ્થાઓ કરતા કોંગ્રેસ દ્વારા બંધને સફળ બનાવવાનો પ્રયત્ન કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here