જામનગર : વિશ્વ વ્યાપી કોરોનાની મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દી નારાયણોની સારવાર કરતાં તબીબો પણ તમામ સાવધાની છતાં કોરોનાની ઝપટમાં આવી જતાં હોય છે. જામનગરની પ્રસિધ્ધ ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં પણ પંદર કરતાં પણ વધુ તબીબો કોરોનાના વાયરસથી સંક્રમિત થયા હતા.

કોરોના વાયરસથી સંક્રમિત થનારા તબીબોમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, એડિશનલ ડેપ્યુટી સુપ્રિટેન્ટેન્ડટ ડો.અજય તન્ના, ડીન ડો. નંદીની દેસાઇ, ફેકલ્ટી મેમ્બર્સ ડો.હેમાંગ આચાર્ય, ડો.હર્ષ ત્રિવેદી, ડો.રાહુલ મહેતા, ડો.એન.આર. રાઠોડ, રેસિડન્ટ ડોકટરમાં ડો.વિજય વહાણિયા, ડો. કિંજલ નાદિયા, ડો.તેજસ રાબડિયા, ડો.રાજુ ગોળીફાળ, ડો. પૂજા ઉપાસના, સર્જિકલમાં ડો. નીતા રાડા, આર.એમ.ઓ. ડો. પંચાસરા, વગેરેનો સમાવેશ થાય છે.
તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી કહે છે કે અમે દર્દીઓ અને તેમના સગાઓ સાથે કામ કરતાં હોવાથી કોરોનાથી સંક્રમિત થયા હતા. મને તાવ-દુઃખાવાના લક્ષણો હતા. અમારા સાથીઓ ડો. ચેટરજી, ડો. મનિષ મહેતા, ડો. ગોસ્વામી, ડો. અગ્રાવત વગેરેની તપાસ- સારવારથી મને સારું થઇ ગયું. નિયમિત દવાઓ – ઇંજેકશન અપાતા. ૧૫ દિવસ સુધી ઘરથી દૂર રહેવુ અને બિમારીને સહન કરવી મુશ્કેલ હોય છે પરંતુ અમારા સ્ટાફના મનોસામાજિક લાગણી-ટેકાથી હું આ બિમારીમાંથી બહાર આવી શકયો છું.
એડિશનલ ડેપ્યુટી સુપ્રિટેન્ટેન્ડટ ડો.અજય તન્ના અમદાવાદની હોસ્પિટલ(બી.જે.મેડિકલ કોલેજ)માં ૧૦ દિવસ ફરજ બજાવવા ગયા હતા. ત્યાં દરરોજ તેઓ ત્રણ ફલોરના ૫૦૦ જેટલા દર્દીઓને તપાસતા હતા. જોકે તેઓ પીપીઇ કીટ પહેરીને –તમામ સાવચેતી સાથે જ ફરજ બજાવતા હતા. ફરજ પૂરી કરી જામનગર પરત ફરતા તેઓનું સ્ક્રીનીંગ કરાવતાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેઓને ૭૦ વર્ષના વૃધ્ધ માતા હોવાથી તેઓએ ઘરે જ હોમ આઇસોલેશનમાં રહેવાનું ટાળ્યું હતું. જામનગરથી ૧૫ કિમી. દૂર લાખાબાવળ પાસેના લીલાવતી નેચરોપેથી સેન્ટરના કોવિડ કેર સેન્ટરમાં ૧૫ દિવસ સિફટ થયા હતા અને ત્યાની સારવારમાંથી સાજા થઇ ફરી દર્દીઓની સેવામાં લાગી ગયા હતા. ડો.તન્નાએ બે વાર પ્લાઝમા ડોનેટ કરીને સમાજ પ્રત્યેનો માનવ ધર્મ પણ બજાવ્યો હતો.
ડો. તન્ના ગરમીના સમયમાં પીપીઇ કીટ પહેરવામાં પડતી મુશ્કેલીઓ વિશે કહે છે કે, મારા શરીરની તાસીર ગરમ છે. લેહ –લદાખ જતો ત્યારે પણ હું કયારેય સ્વેટર પહેરતો ન હતો. એટલે સતત ૧૦ દિવસ સુધી પીપીટી કીટ પહેરીને બેસવુ મારા માટે અતિ મુશ્કેલ હતું. ગરમી થવી- પરસેવો વળવો અને દરરોજ ૫૦૦ દર્દીઓને તપાસતા રહેવું. આવી પરિસ્થિતી છતાં પણ મેં પીપીઇ કીટ પહેરી હતી. તમામ સાવચેતી રાખી હતી. પરંતુ અમે મારા રહેઠાણથી હોસ્પિટલ અને હોસ્પિટલથી મારા રહેઠાણ સુધી જવામાં થોડી કાળજી રાખવામાં કદાચ ચૂક થઇ હશે. એટલે કોરોનાનું સંક્રમણ થયા હોવાનું મારું માનવું છે. જેથી દરેક વ્યકિત ઘરેથી નિકળે ત્યારથી જ તેણે કોરોનાથી બચવાના કવચ સમા માસ્ક, હાથ મોજા પહેરીને નીકળવું જોઇએ.
ડો.તન્ના કહે છે કે હું દર્દીઓની સારવાર કરતો હોઉ છુ અને હું પણ દર્દી બન્યો હતો એટલે દર્દીઓની સંવેદના-પીડા શું હોઇ શકે એનો ચિતાર ચિતારાની જેમ મારા મનમાં હોય છે.
જી.જી.હોસ્પિટલના અન્ય એક તબીબ ડો. મીતા પટેલ પણ અમદાવાદમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવીને પરત ફરતાં તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાને હરાવીને તેઓ પણ પુન: ફરજ પર જોડાઇ ગયા છે.