જામનગર : શહેરના લંઘાવાડના ઢાળિયા પાસે રહેતો નવાજભાઈ ઉર્ફે ટાઈગર જાહિદભાઈ સોલંકી નામનો સખ્સ એક પિસ્તોલ સાથે પંચવટી ગૌ શાળા પાસે આટાફેરા કરતો હોવાની એલસીબીના વનરાજભાઈ મકવાણા, મિતેશ પટેલ અને ફિરોજ દલને બાતમી મળી હતી. આ હકીકતના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો જેમાં શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરતા નવાઝને પોલીસે પોસ્ટ ઓફીસની સામે આવેલ ગ્રાઉન્ડ પાસેથી આંતરી લીધો હતો. પોલીસે આ સખ્સના કબ્જા માંથી રૂપિયા ૫૦ હજારની કિંમતની એક પિસ્તોલ અને છ જીવંત કારતુસ કબજે કર્યા હતા. ત્યારબાદ પોલીસે આ સખ્સની અટકાયત કરી સીટી બી ડીવીજન પોલીસમાં આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં આ હથિયાર ત્રણ માસ પૂર્વે હત્યાનો ભોગ બનેલ દિવ્યરાજસિંહ જાડેજા પાસેથી ખરીદ કર્યાની કબુલાત કરી છે. જો કે દિવ્યરાજસિંહનું મર્ડર થઇ જવાથી અહી થી તપાસ પૂર્ણ થઇ ગઈ છે. તેમ છતાં પણ સચોટ વિગતો માટે સીટી બી ડીવીજન પોલીસે આરોપીની કાયદેસરની ધરપકડ કરી સઘન પૂછપરછ શરુ કરી હતી.