જામનગર: રખડતા ઢોરે વધુ ઈજા પહોચાડી હોત તો ત્રણ દીકરીઓની જવાબદારી કોણ લેત ?

0
481

જામનગર શહેરના ચોરે અને ચોકે અડિંગો જમાવી બેસેલા રેઢિયાળ ઢોરના આતંકનો વધુ એક વૃદ્ધ ભોગ બન્યા છે છતાં મહાનગરપાલિકાનું નઘરોળ તંત્ર ઢોર તમાશો જોઈ રહ્યું છે. આથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

જામનગરના નવાગામ ઘેડમા આવેલ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં બે ખુંટીયાઓએ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં એક વિજયભાઈ ગોહિલ નામના બાઈક ચાલકને હડફેટમાં લઈને મિનિટો સુધી ફંગોળયા હતા. તેમજ પોતાના પગની નીચે કચડ્યા હતા. આ સમયે બુમાબૂમ થવાથી સ્થાનિક રહેવાસીઓ એકત્ર થઇ ગયા હતા, અને કોઇ પાણીની ડોલ લઈને પહોંચ્યા હતા, જ્યારે કોઈ લાકડી વગેરેના સાથે દોડી જઇ અને છૂટા પાડવા માટે, અને તેઓની ચુંગાલમાંથી છોડાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા.જેને પગલે બુઝુર્ગને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બનાવ નો વિડીયો શહેરભરમાં વાઇરલ થતાં લોકોમાં જામ્યુકોના તંત્ર સામે નારાજગી અને કામગીરી પ્રત્યે અનેક સવાલો પેદા થયા છે. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા આસપાસના નાગરિકોએ રોષ ઠાલવ્યો છે, અને રસ્તે રઝળતા ઢોર મામલે મહાનગરપાલિકાએ તાકીદની કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે. આ બનાવ અંગે ભોગગ્રસ્ત વિજયભાઈ ગોહિલની પુત્રી આરતીએ ઉગ્ર રોષ ઠાલવી પોતાની વેદના રજુ કરતા જણાવ્યું હતું કે મારા પિતા નશીબ જોગે બચી ગયા, પણ જો વધુ ઈજા પહોચી હોત તો અમે ત્રણ દીકરીઓ બાપ વગરની થઇ જાત, મૂંગા ઢોરનો ત્રાસ અહી થી દુર થાય એ જ અમારા પરિવારની નહી સમગ્ર સોસાયટીની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here