જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે આજે હિંદુ વાઘેર દંપતીમાં પડેલ દરાર લોહી પ્યાસી બની ગઈ હતી. કોઈ પણ બાબતે દંપતીમાં મનદુઃખ થતા પતિએ પત્નીની હત્યા નીપજાવી પોતે પણ એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પત્નીની હત્યા નીપજાવી પતીએ એસીડ પી લેતા ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવ્યો છે.

ધર્મનગરી દ્વારકામાં ઘટેલી ઘટનાએ સમગ્ર જીલ્લામાં સનસનાટી સાથે ચકચાર મચાવી દીધી છે. દ્વારકામાં રૂક્ષ્મણી ગેટની સામે રહેતા એક વાઘેર પરિવારમાં આજે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં લક્ષ્મણભા સુભણીયા અને તેની પત્ની સંતોકબેન વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થતા બોલાચાલી થઇ હતી. જેમાં ઉસ્કેરાઈ ગયેલ પતિ લક્ષ્મણભાઈએ પત્નીની હત્યા નીપજાવી દીધી હતી. ત્યારબાદ પોતે પણ એસીડ પી જઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પ્રાથમિક સારવાર આપી લક્ષ્મણભાઈને જામનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી પરંતુ પતિ-પત્ની વચ્ચે થયેલ મનદુઃખને લઈને ઘટના ઘટી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ઘટના ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.