જામનગર : રસ્તાઓ ધોવાઇ જતા કોન્ટ્રાક્ટરોને મોકલાઈ ધગધગતી નોટીશ, જાણો વિગતવાર

0
737

જામનગર : જામનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે તો મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં કચેરી હસ્તકના કુલ ૩૬ કિમીનો માર્ગ જ ક્ષતીગ્રસ્ત બન્યો છે જયારે ત્રણ રસ્તાઓ પરના પુલ ધરાસાઈ થયા છે. આ ઉપરાંત ગેરેંટી પીરીયડમાં ચાલી રહેલ રસ્તાઓ ધોવાઇ જતા કોન્ટ્રાકટરોને નોટીશ આપી દેવામાં આવી છે.

જામનગર જીલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા પખવાડિયા પૂર્વે પડેલા વરસાદમાં તો જિલ્લાભરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમુક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તો અમુક રસ્તાઓ ધૂળયા બન્યા છે. રસ્તાઓની ખસતા હાલતને લઈને સરકાર પર માછલા ધોવાતા સરકાર હરકતમાં આવી હતી. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે રસ્તાઓ તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવાની જાહેરાત કરી હતી ઉપરાંત નવા રસ્તાઓનો ગેરેંટી પીરીયડ ચાલી રહ્યો છે અને આ રસ્તાઓ ધોવાઇ ગયા છે તેઓની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. જેને લઈને તમામ જીલ્લાના માર્ગ અને મકાન વિભાગ તેમજ જીલ્લા પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જામનગર જીલ્લાની વાત કરીએ તો પીડબ્લ્યુડી (માર્ગ અને મકાન) વિભાગના કાર્યપાલક જાતિન ઓઝાના જણાવ્યા મુજબ જીલ્લાના કચેરી હસ્તકના કુલ ૬૯૨.૫૨ કિમી રસ્તાઓ પૈકી ૩૪.૪૫ કિમીના રસ્તાઓની હાલત ખસ્તા થઇ છે. જેનામાંના ૮.૯૨૫ એટલે કે લગભગ નવ કિમીના રસ્તાઓ તો બિલકુલ ધોવાઇ ગયા છે. જયારે ૨૬.૨૫ કિમીના રસ્તાઓ પર ખાડા પડ્યા છે. આ રસ્તાઓનો સરવે કરી તાત્કાલિક કામગીરી શરુ કરવામાં આવી હોવાનો કાર્યપાલકે દાવો કર્યો છે. તો બીજી તરફ લાએબલીટી પીરીયડમાં ચાલી રહેલ આશરે નવ કિમીના ડામર રોડના કામની ગુણવતા નબળી હોવાથી તૂટી ગયા છે. આવા કોન્ટ્રાક્ટરોને ત્વરીત નોટીસ પાઠવી કામ શરુ કરવા તાકીદ કરવામાં આવી છે. અન્યથા તેઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ તંત્રએ તૈયારી કરી છે. જો કે તંત્રના દાવા મુજબ કામ શરુ થઇ ગયું છે.

આ ચાર પુલ નવા બનશે….

બીજી તરફ માર્ગ અને મકાન હસ્તક જામનગર નજીક રણજીત સાગર રોડ પર આવેલ રંગમતી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે. જે આગામી ચોમાસા સુધીમાં નવો બનાવવામાં આવશે, આ ઉપરાંત જામજોધપુર તાલુકાના ગીંગણી-સીદસર વચ્ચે આવેલ વેણું નદી પરનો પાંચ દાયકા જુનો પુલ ક્ષતિગ્રસ્ત બનતા નવો બનાવવામાં આવશે, જયારે ગોપ અને જીણાવારી રોડ પર એક નાલુ બેસી ગયું છે તેમજ માળિયા-આમરણ રસ્તા પરના પુલના બે ગાળા ધરાસાઈ થઇ ગયા છે. આ ચાર પુલ-નાળા નવા બનાવવામાં આવશે એમ અંતે ઓજાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here