જામનગર : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ નીલકમલ સોસાયટીમાં શેરી નંબર ચારમાં પોતાના ઘરે એકલા વૃદ્ધ મહિલાના ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરી લુંટ ચલાવનાર મહિલાના કોઈ સગડ સાંપડ્યા નથી. બીજી તરફ લુટારુ મહિલાના હુમલાનો ભોગ બનેલ વૃદ્ધ મહિલાને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં ગઈ કાલે સાંજે લુંટ વિથ હુમલાનો ચકચારી બનાવ બન્યો છે. જેમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાયટીમાં રહેતા રીયાજ મહેદીમામદ અલ્લાના નામના વેપારીના ઘરે ગઈ કાલે સાંજે કોઈ અજાણી મહિલા ઘુસી આવી હતી. ૩૫ થી ૪૦ વર્ષની ઉમર ધરાવતી અને સાડી પહેરેલી મહિલાએ ઘરમાં એકલા જ રહેલા રિયાજભાઈના માતા પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આરોપી મહિલાએ લાકડાના ધોકા વડે વાંસામા તથા ડાબી આંખની ઉપર માથાના ભાગે તેમજ જમણા કાનની પાછળ માથાના ભાગે ધોકાથી ઇજા પહોચાડી હતી. અચાનક થયેલ હુમલાથી ગંભીર રીતે ઘવાયેલ વૃદ્ધ મહિલા પટકાઈ જતા અજાણી મહિલાએ તેણીના ડાબા હાથમા પહેરેલ સોનાની બે બંગળીઓ લુંટી લીધી હતી. રૂપિયા વીસ હજારની કિંમતની આસરે એક તોલા વજનની બંગડીઓ લુંટી મહિલા નાશી ગઈ હતી. પોલીસે આશરે ૩૫ થી ૪૦ વર્ષની મહીલા સામે આઈપીસી કલમ કલમ ૩૯૪,૪૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.