જામનગર : જામનગર શહેર અગાઉના વરસોમાં ક્યારેય આટલું બદનામ નથી થયું કે છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મ મામલે થયું છે. શહેરનું એક ડીવીજન બળાત્કારના મામલે બાકી હતું ત્યાં આજે આ ડીવીજનમાં પણ બળાત્કારની ફરિયાદ સામે આવી છે. પ્રથમ અપહરણની ફરિયાદ બાદ કચ્છથી મળી આવેલ સાડા સતર વર્ષની સગીરાને ભગાડી ગયેલ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં અન્ય બે સખ્સોની મદદગારી ખુલવા પામી છે. પોલીસે મુખ્ય આરોપી ઉપરાંત મદદગારી કરનાર બંને સખ્સોને પણ ઉઠાવી લીધા છે. ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સામે આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
હવે જામનગર અને બળાત્કાર શબ્દ એકબીજાના પર્યાય બનતા જાય છે. કારણ કે છેલ્લા પાંચ દિવસમાં દુષ્કર્મની ચોથી ફરિયાદ સામે આવી છે. જેમાં એક સામુહિક દુષ્કર્મનો પણ સમાવેસ થાય છે. સીટી બી અને સીટી સી ડીવીજનમાં નોંધાયેલ ફરિયાદ બાદ આજે સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પરિવારની સાડા સતર વર્ષની સગીરાને ત્રણ દિવસ પૂર્વે સાવન મનોજભાઈ શાહ નામનો સખ્સ અપહરણ કરીને તેણીના પરિવારના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. દરમિયાન પોલીસે ફરિયાદ નોંધી આરોપીના સગડ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી સાવન અને યુવતી કચ્છથી મળી આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન આરોપીએ તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સામે આવતા આઈપીસી કલમ ૩૭૬નો ઉમેરો કરવામાં આવ્યો હતો. સાથે સાથે સગીરાના અપહરણમાં યસ લાલવાણી અને યોગીરાજસિંહ જાડેજાની સંડોવણી ખુલી હતી. આ બંને સખ્સોને મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે સગીરા થતા મુખ્ય આરોપીનું મેડીકલ તપાસણી કરાવી હતી અને મદદગારી કરનાર આરોપીઓને પણ જામનગરમાંથી પકડી પાડ્યા હતા. સીટી એ ડીવીજન પીઆઈ એમજે જલુ સહિતની ટીમે ત્રણેય આરોપીઓએ કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.