જામનગર : જામનગરમાં સાત રસ્તા નજીક આવેલ જેટકોની જૂની અને અતિ જર્જરિત થઇ ગયેલ કચેરીને તોડવામાં કામ વખતે છતનું છજુ તૂટતા સર્જાયેલ દુર્ઘટનામાં ત્રણ મજુર પર કાટમાળ પડયો હતો અને ત્રણેયને ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ પૈકી એક મજુરની હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
જામનગરમાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. શહેરની મધ્યમાં આવેલ સાત રસ્તા નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) ની કચેરી લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં ઉભી હતી. આ કચેરીને રીપેર અથવા પાડતોડ માટે પણ અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જેને લઈને તંત્રએ આ ઓફીસનું બિલ્ડીંગ તોડી પાડવાનો નિર્ણય કરી કચેરીના અધિકારીઓની ઓફીસ અન્યત્ર સિફટ કરી હતી. ત્યારબાદ આ કચેરીના જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા ચાર-પાંચ દિવસથી હાથ ધરાયેલ આ પ્રક્રિયા આજે પણ સવારે મજુરો દ્વારા શરુ કરવામાં આવી હતી. દરમિયાન સવારે જ કચેરીના આગળના ભાગનું છજુ વીસેક ફૂટની ઊંચાઈ પરથી ધરાસાઈ થતા નીચે કામ પર આવેલ ત્રણ મજુરોને ઈજાઓ પહોચી હતી. જીવાભાઈ ડાયાભાઈ ખરા ઉવ ૪૫ રે નરમાણા, દેવાભાઈ ધાનાભાઈ ખરા ઉવ ૫૫ રે ચંગા, અને પબાભાઈ ભીખાભાઈ સાગઠીયા ઉવ ૪૫ નામના ત્રણેય મજુર પર કાટમાળ પડતા દોડધામ મચી ગઈ હતી. જેને લઈને ૧૦૮ની ટીમને જાણ કરી ત્રણેય ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં કે મજુરની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવના પગલે જેટકો અને પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.