જામનગર: સાંસદ ખેલ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ, ભવ્ય આતશબાજીથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું

0
1133

જામનગર: યુવાનોમાં સુસજ્ત્તા અને સારી ફિટનેસ રહે, ખેલદિલીની ભાવના વધુ મજબુત થાય એ હેતુથી દરેક જીલ્લામાં ખેલ મહોત્સવ યોજવા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કરતા જામનગર સાંસદ પુનમબેન માડમ દ્વારા આજે જામનગર ખાતેથી ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો,  ના માત્ર એક ક્રિકેટ પરંતુ એથલેટીક અને પરંપરાગત રમતોને પણ આ ખેલ મહોત્સવમાં આવરી લેવામાં આવી છે. દોઢ મહિના સુધી ગ્રામ્ય-તાલુકા અને જીલ્લા સ્તરે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેકોર્ડબ્રેક ૩૮૪ ટીમોએ ભાગ લીધો છે.

જામનગર અને દેભુમી દ્વારકા જિલ્લા અને મોરબી જીલ્લાની આમરણ વિસ્તારના યુવાનો, ભાઈઓ અને બહેનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી સાંસદ ખેલ મહોત્સવ શરુ થયો છે. સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાનેથી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઓપનીંગ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર ઉપરાંત બંને  જીલ્લાના અગ્રણી પદાધિકારીઓ, વડીલો અને ખેલાડીઓ ઉમટી પડ્યા હતા. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા સાંસદ પુનમબેન માડમે સંસદીય વિસ્તારના તમામ નાગરિકોને આ મહોત્સવ પોતાનો હોય એવી રીતે ભાગ લેવા આહવાન કર્યું હતું. સાથે સાથે જુદી જુદી રમતોમાં કાઠું કાઢનાર ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સાંસદે ટોસ ઉછાળી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરના યુવાનો, બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

યુવાનો ઉપરાંત બહેનો માટે પણ આ ખેલ મહોત્સવ સીમાચિન્હરૂપ બનશે એમ સાંસદ પુનમબેને જણાવી ખેલ મહોત્સવને સાચા અર્થમાં મહોત્સવ તરીકે ઉજવવા આહ્વાન કર્યું હતું. તાલુકા કક્ષાએ વોલીબોલ, બહેનો માટે ગ્રામ્ય કક્ષાએ રસા ખેચ, નારગોલ, લીંબુ ચમચી અને કોથળા દોડ તેમજ સંગીત ખુરસી જેવી પરંપરાગત રમતોનો આ મહોત્સવમાં સમાવેશ કર્યો છે. આજથી જ આ રમતો માટે ઓન લાઈન નોંધણી શરુ કરી દેવામાં આવી છે. સાથે સાથે ઓફ લાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આગામી તા. ૨૫ તારીખથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએથી આ રમતો શરુ કરી દેવામાં આવશે. જયારે ત્રીજી તારીખે રમતોનું સમાપન જિલ્લા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં ક્રિકટ રમત માટે ૩૮૪ ટીમનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે. એક સાથે મોટી સંખ્યામાં ક્રિકેટ ટીમ રમશે એ એક ઈતિહાસ બનશે એમ સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here