૭૫માં પ્રજાસત્તાક પર્વની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડ ખાતે

0
720

૭૫માં પ્રજાસત્તાક પર્વની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડ ખાતે. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને જિલ્લા કલેકટર અશોક શર્મા, એસ.પી. નિતેશ પાંડેય સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રંગે ચંગે પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાનું ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લામાં મહત્વની કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ૭૫માં પ્રજાસત્તાક પર્વની નિમિતે આપણા દેશને આઝાદી માટે પોતાનું યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને હું વંદન કરું છું. આપણા બંધારણના લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શોનું જતન કરી દેશે અનેક સિધ્ધિઓ હાસિલ કરી છે. મિત્રો, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં દેશે વિકાસના નવા આયામો સર કર્યા છે. જેના થકી આપણો ભારત દેશ વિશ્વફલક પર અંકિત થયો છે. વધુમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે ગુજરાતના સર્વાંગી વિકાસની ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. જેના પરિણામરૂપે વિકસિત ભારત @૨૦૪૭ પરિકલ્પના સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લેવામાં આવ્યા છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી અભિગમ થકી વર્ષ ૨૦૦૩ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બીજ રોપ્યું હતું એ હવે વટવૃક્ષ બની ચૂક્યું છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક દેશના પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારો સહિતના જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્તિવત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનને કારણે આજે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.

વધુમાં મંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકાસગાથા પર નજર કરતા જણાવ્યું હતું કે, રાજ્યની સાથે સાથે તમામ જિલ્લાઓ પણ ઔધોગિક ક્ષેત્રે ઉન્નતિ સાધી શકે તેવા ઉદ્દેશ્યથી વાઇબ્રન્ટ-ગુજરાત વાઇબ્રન્ટ-ડીસ્ટ્રિકટ તર્જ પર વાઇબ્રન્ટ-ગુજરાત, વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ અંદાજિત ૧૧૦૦ કરોડના મૂડી રોકાણના ૨૫૬ જેટલા એમઓયુ કરવામાં આવ્યા હતા. જે જિલ્લામાં અનેક રોજગારીનું સર્જન કરશે. તેવી જ રીતે આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં ખુબ પ્રગતિ થઈ છે. નાગરિકોને ગંભીર બીમારી સામે રક્ષણ મળે તેમજ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં છે. જેમાં દ્વારકા જિલ્લામાં કુલ ૨ લાખ કરતાં વધારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, વ્યકિતના સર્વાંગી વિકાસમાં શિક્ષણએ પ્રાથમિક પાયો છે. આપણા જિલ્લામાં આરટીઈ અંતર્ગત ૪૨૦૦ કરતા વધારે બાળકો વિનામૂલ્યે ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ જિલ્લાની શાળાઓમાં ટેકનોલોજીના માધ્યમથી ગુણવતાયુક્ત શિક્ષણ અપાય રહ્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાનો, બાળકો, મહિલાઓ, ધરતીપુત્રો તમામ ક્ષેત્રે વિકાસના આયામો સર કરી રહ્યા છે. મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે ખેતીવાડી વિભાગની અનેકવિધ યોજનાઓમાં ૫ હજાર કરતાં વધુ ખેડૂતોને રૂ. ૭૦૧ લાખની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી શકે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશ વિદેશના પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. જિલ્લામાં હાલ હર્ષદ ખાતે હરસિધ્ધિ માતાના સાનિધ્યમાં હરસિધ્ધિ વનનું નિર્માણ પ્રગતિમાં છે. તેમજ બરડા ખાતે આશરે રૂ.૫૦ કરોડના ખર્ચે બરડા સર્કિટ તેમજ ભાણવડ નજીક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આશરે રૂ .૨૫ કરોડના ખર્ચે પ્રવાસનની સુવિધાઓ પૂરી પાડશે. જે થકી જિલ્લામાં પ્રવાસનનો વિકાસ વેગવંતો બનશે. તેમજ ખંભાળિયા શહેર નજીકથી પસાર થતી ઘી અને તેલી નદીમાં પાણીને પ્રદૂષિત થતું અટકાવવા રાજ્ય સરકારે નદીના કાંઠે ડ્રેનેજ બોક્સના નિર્માણ માટે કુલ રૂ.૨૮ કરોડ કરતાં વધારે રકમની મંજૂરી આપી છે.

આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વ નિમિતે માર્ચ પાસ્ટ યોજાઇ હતી. તેમજ સુરક્ષા સેતુ સોસાયટી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, આઇ.સી. ડી.એસ. વિભાગ, કૃષિ, બાગાયત, પ્રોજેકટ આત્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા, વાસ્મો, લીડ બેંક, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાયબ વનરક્ષક વિભાગ, પ્રોજેકટ તુષ્ટિ તેમજ મતદાતા જાગૃતિ અને ઈ.વી.એમ. નિદર્શન વગેરે થીમ આધારિત આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન તેમજ કુસ્તીના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ડી.વાય.એસ.પી. પરમાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી ગોવિંદ ભાઈ કરમુર, વી. ડી. મોરી, ચેતનભાઈ રાઠોડ, જીતુભાઈ જોશી, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here