જામનગર : કોવિડ હોસ્પિટલમાં ૪૫૦૦ ઉપરાંત મોત, સતાવાર માત્ર ૩૬૪

0
917

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત થયા બાદ નિપજેલ દર્દીના મૃત્યુંનો આંકડો છુપાવવામાં સરકારી તંત્રએ સરકારના ઇશારે અનેક પ્રપંચ આચર્યા છે. સરકારે બદનામીનું ઠિકરૂ પોતાની માથે ન ફૂટે તે માટે આરોગ્ય તંત્રના અધિકારીઓને હાથો બનાવીને વાસ્તવિક મૃત્યુંના 10 ટકા કરતા પણ ઓછા દર્દીના મૃત્યું કોરોનામાં થયાનું જાહેર કર્યુ છે જયારે બાકીના 90 ટકાથી વધુ દર્દી કોરોના ઉપરાંત અન્ય બિમારી હોવાના કારણે થયાનું (કો-ર્મોબીડ) જાહેર થયું છે. આ મામલે લોકો અને વિપક્ષોએ અનેક વખત વિરોધ વ્યકત કર્યો હોવા છતા બહુમતીના જોરે સરકાર આ વિરોધને ગણકારતી ન હતી. પરંતુ આખરે જાહેરહિતની અરજીમાં સુપ્રિમ કોર્ટે અને હાઇકોર્ટે કેન્દ્ર અને રાજય સરકારને ભારે ફટકાર લગાવી છે અને કોરોનાના દર્દીના મૃતકોના પરિવારજનોને ચુકવવાની થતી રૂા.50 હજારની સહાય અંગેના માપદંડ અંગે પણ દિશા-નિર્દેશ પણ આપ્યા છે. પરિણામે સરકાર અને સરકારી તંત્ર માટે સહાયના મુદ્દે હજુ ગડમથલ જોવા મળે છે.

જામનગર શહેર અને જિલ્લામાં 22 માર્ચ 2020થી લોકડાઉન શરૂ થયું હતું. કોરોનાનો સૌ પ્રથમ કેસ જામનગર તાલુકાના દરેડ ગામે 5 એપ્રિલ 2020ના રોજ નોંધાયો હતો. મુળ ઉત્તર પ્રદેશના વતની અને દરેડ જીઆઇડીસીમાં મજૂરી કામ કરતા એક મુસ્લિમ શ્રમિકના માત્ર 14 માસના બાળકનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. માત્ર બે દિવસની ટૂંકી સારવારમાં તેનું મૃત્યું નિપજ્યું હતું. પ્રથમ ગ્રાસે મક્ષીકા કહેવતની માફક માનવ સહજ ભુલ રહી ગઇ હોય તેમ આ બાળકને કોરોનાનું સંક્રમણ કેવી રીતે થયું તે હજુ સુધી તંત્ર જાહેર કરી શકયું નથી અને તેને કોરોના સિવાય કોઇ બિમારી હતી કે નહી તે પણ જાહેર કર્યુ નથી. આ પછી કેસ અને દર્દીના મૃત્યુંની સંખ્યા સતત વધી રહી હતી.

એક અહેવાલ અનુસાર સત્તાવાર રીતે વાત કરીએ તો જામનગર શહેરના 207 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 157 લોકો મળી કુલ 364 લોકોના કોરોનાથી મૃત્યું થયાનું જાહેર કરાયું હતું. પરંતુ કોરોનાથી મૃત્યું પામનાર દર્દીઓની સંખ્યા વાસ્તવિકતાથી જોજનો દૂર છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંગ કોવિડ હોસ્પિટલમાં કોરોના કાળ દરમ્યાન કુલ 4,500 જેટલા દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. પરંતુ અન્ય મૃત્યુંને કોરોના ઉપરાંત અન્ય દર્દ (બિમારી)ને પણ જવાબદાર ગણવામાં આવ્યા હતા.

ભારતના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વખત ભાજપની સરકારે રોગચાળામાં મૃત્યું પામેલ દર્દીના મોતની સંખ્યા છુપાવવાના ઇરાદે મોતનું પણ ઓડિટ કરવા માટે દરેક જિલ્લામાં કમિટિ રચી હતી અને ડેથ ઓડિટ કમિટિના ખંભે બંદૂક રાખીને મોતનો સાચો આંકડો 10 ટકાથી પણ નીચે લઇ જવાયો હતો. આ મુદ્ે રાજય અને દેશભરમાં વિરોધ પક્ષો ઉપરાંત લોકો અને સામાજિક સંસ્થાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

એમ કહેવાય છે કે, મોદી સરકાર લોકોના ઉહાપાહને મોટાભાગના કેસમાં ઠંડો પાડવામાં અથવા લોકોનું ધ્યાન અન્ય મુદ્ા ઉપર ડાયવર્ટ કરી દેવામાં માહીર ગણાય છે અને તેથી જ સરકારે કોરોનામાં મૃત્યું પામેલ દર્દીના સગાને રૂા.50 હજારની સહાય આપવાની સુપ્રિમ કોર્ટમાં ખાતરી આપી હતી. જો કે, અગાઉ સરકારે ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી પરંતુ તે અન્ય જાહેરાતોની માફક હવામાં ઓગળી ગઇ હતી. જો કે, દેશભરમાં કોરોનાથી જેટલા મૃત્યું થયા છે તેના પરિવારોને મૃત્યુંદીઠ રૂા.4 લાખની સહાય આપવા જાઇ તો સરકાર રસ્તા ઉપર આવી જાય તે પણ એક હક્કિત છે.

પરંતુ હવે જયારે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ સરકારે રૂા.50 હજારની સહાય જાહેર કરી છે ત્યારે આ સહાય મેળવવા માટે પણ એવો નિયમ સરકારે જાહેર કર્યો હતો કે, કોરોનામાં મૃત્યું થયાનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે. પરંતુ મુશ્કેલી એ છે કે સરકારે 10 ટકાથી પણ ઓછા મૃત્યું કોરોનામાં ગણ્યા છે. આથી સુપ્રિમ કોર્ટમાં અને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં કોર્ટ મારફતે જ એવો દિશા-નિર્દેશ તાજેતરમાં જ અપાયો છે કે, કોરોના પોઝીટીવ રિર્પોટ હોય અને પોઝીટીવ રિર્પોટના 30 દિવસની અંદર જે દર્દીનું મૃત્યું થયું હોય તેને કોરોનામાં મૃત્યું થયાનું ગણવાનું રહેશે પછી ભલે તે તંત્રએ અગાઉ કો-મોર્બીડ ગણ્યું હોય.

અદાલતના તાજેતરના ઉપરોકત દિશા-નિર્દેશને કારણે કદાચ સરકારી તંત્રમાં મૃત્યુંનું કારણ દર્શાવતા પ્રમાણપત્ર ઇશ્યુ કરવાની કામગીરીને હાઇડ્રોલીક બે્રક મારવામાં આવી છે. ગઇકાલથી દર્દીના પરિવારજનોને કોરોનાથી મૃત્યું થયાના કે, કો-મોર્બીડથી મોત થયાનું પ્રમાણ પત્ર આપવું તેનો નિર્ણય રાજય સરકારમાંથી  આવે તેની રાહ જોવાતી હોય તેમ કહેવાય છે.

જામનગર શહેરમાં કોવિડ મૃતકો માટે સરકારે જાહેર કરેલી સહાય મેળવવા અગાઉ મેળવવાના થતા મૃત્યુના કારણના સર્ટીફીકેટ માટે મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં કતાર લાગવા લાગી છે. અત્યાર સુધીમાં મૃત્યુ કારણ ( કોજ ઓફ ડેથ ) પ્રમાણપત્ર મેળવવા ૭00 ઉપરાંત લોકોએ અરજી કરી છે.

સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના નિદેશ મુજબ સરકારી સહાય આપવાની તૈયારીના ભાગરૂપે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર વ્યકિતના વારસોએ પ્રથમ મેડીકલ સર્ટીફીકેટ ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડી અથવા ફોર્મ નં.4) મેળવવા મહાનગરપાલિકામાં અરજી કરવાની રહે છે. મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં આવી ૭00 ઉપરાંત અરજીઓ આવી છે. હજુ પણ સંખ્યાબંધ લોકો અરજીના ફોર્મ મેળવી રહ્યા છે. તેથી આગામી દિવસોમાં અરજી કરનારા લોકોની સંખ્યા વધશે.

જે કોવિડ મૃતકોના સગાઓની અરજીઓ રિજેક્ટ થશે તેઓ શહેરકક્ષાએ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં અને ગ્રામ્યકક્ષાએ અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય અધિકારીઓ સહિતની બનેલી કોવિડ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ સમક્ષ અપીલમાં જઈ શકશે. બાદમાં આ કમિટી અરજી અંગે નિર્ણય કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here