જામનગર : એક સગીર સહિતની ગેંગ વાહન ચાલકોને લુટે તે પૂર્વે LCBનું ઓપરેશન

0
917

જામનગર અપડેટ્સ : જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી હત્યા, હત્યા પ્રયાસ, મારામારી અને ચોરી સહિતની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી હાલતને લઇને પોલીસ હરકતમાં આવી છે. ગુન્હાખોરીને ડામવા માટે બાતમીદારોના નેટવર્કને સજ્જડ બનાવી એલસીબી પોલીસે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી જેમાં જામનગરથી 10 કિલોમીટર દૂર આવેલા મોખાણા ગામ નજીક નદીના બેઠા પુલ પાસે અમુક શખ્સો છરી, ધોકા અને લોખંડના પાઇપ સાથે રસ્તા પરથી પસાર થતાં કોઇ વાહન ચાલકને લુંટવાની ફીરાકમાં હોવાની હકિકત મળી હતી.

આદિવાસી ગેંગ ધાડના ગંભીર ગુન્હાને અંજામ આપે તે પૂર્વે એલસીબી પોલીસે ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ઉપરોકત સ્થળે રસ્તાની બન્ને તરફેથી ઘેરો ઘાલ્યો હતો. જેમાં હથિયારો સાથે સંતોષ ગુમાન હરીસિંગ બધેલ રે. ગરબડી તા.કુકસી જિ.ધાર મઘ્યપ્રદેશ, દિનેશ રડુભાઇ મદનભાઇ ડાવર, અનીલ કરમશીભાઇ ભુરીયા, રવી ઝવેરચંદ નારસીંગ માવડા અને એક સતર વર્ષીય કાયદાથી સંઘર્ષિત કિશોર સહિતના પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા હતાં. આ પાંચેય શખ્સો અગાઉથી પૂર્વયોજીત કાવત્રુ રચી, ઘાતક હથિયારો સાથે રોડ ઉપર પસાર થતાં વાહનો ઉભા રખાવી માણસો લુંટી લેવા માટે ધાડ પાડવાની વેતરણમાં હોવાની કબુલાત કરી હતી. જેને લઇને પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી હથિયારો, મોબાઇલ ફોન, રોકડ રૂપિયા અને બે મોટરસાઇકલ સહિત 1 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ તમામ શખ્સો સામે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ. ગરચરએ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરના પીએસઆઇ સી.એમ. કાટેલીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here