જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે લાખો રૂપિયાની જમીનની છેતરપીંડી, આવું છે પ્રકરણ

0
1808

જામનગર : જામનગર નજીક ખંભાલીયા રોડ પર બેડ ગ્રામ પંચાયતના સર્વે નંબરમાં આવતી દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખની રૂપિયા ૨૪ લાખની જમીન ખરીદીને નામે બોગસ પહોચો બનાવી પોરબંદરની એક મહિલા સહીત ત્રણ સખ્સોએ જમીન કૌભાંડ આચર્યું હોવાની સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. એલસીબી પોલીસે સિક્કા પોલીસમાં સમગ્ર પ્રકરણની ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજાની જામનગર તાલુકાના બેડ ગામે આવેલ રૂપિયા ૨૪ લાખની જમીનને બનાવતી દસ્તાવેજોના આધારે ઓળવી જવાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેની વિગત મુજબ પીએસ જાડેજાની બેડ ગામે આવેલ રે.સ.નં. ૭૬ જેના જુના સર્વે નં.૧૮૧ પૈકી ૪ની ચોવીસ લાખની  જમીનનો વર્ષ ૨૦૧૬માં હસમુખ ખીમભાઇ ગોજીયા રહે.જામનગર, નેહાબેન ચીરાગભાઇ કારીયા રહે.પોરબંદર તથા આનંદ જસવંતભાઇ મોદી રહે.જામનગર વાળા સખ્સોએ ખરીદવા પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બંને પક્ષે વાતચીત થઇ હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ પીએસ જાડેજા પાસેથી આરોપીઓએ પ્રથમ કબજા વગરનો રજીસ્ટર વેચાણ કરાર નં.૫૫૦/૧૬ નો બનાવી બાદમાં તેઓના નામની તા.૩૦/૯/૧૬ના રોજ ખોટી બનાવટી ચુકતે અવેજ મળ્યા અંગેની પહોંચ તથા કબજા પહોંચમાં બનાવટી સહીઓ કરી બોગસ કાગળો ઉભા કરી લીધા હતા. આ ખોટી બનાવટી પહોંચનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચર્યું હતું.

આ બનાવ અંગે પીએસ જાડેજાએ જામનગર પોલીસમાં અરજી કરી હતી. જેને લઈને એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવ અંગે પીએસ જાડેજાએ ત્રણેય આરોપીઓ સામે જમીન કૌભાંડ અંગે આઈપીસી કલમ ૧૨૦(બી),૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, મુજબ ફરિયાદ નોંધાવી છે જેને લઈને સિક્કા પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્રકરણે બંને જીલ્લાના રાજકારણમાં પણ ભારે ચકચાર જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here