
જામનગર: સતત ત્રીજી વખત જામનગર લોકસભા બેઠક જીતીને ભાજપના પૂનમબેન મેડમે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે ગત લોકસભા અને તાજેતરની પૂર્ણ થયેલ લોકસભાની સાતેય વિધાનસભા બેઠકો પર ક્યાં કેટલી સરસાઈ રહી ? તેની રસપ્રદ વિગતો સામે આવી છે. આ વખતે ક્ષત્રિય આંદોલનના પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ પૂનમબેન મેડમે કાલાવડ જામજોધપુરમાં વધારે સરસાઈ પ્રાપ્ત કરી છે. જ્યારે દ્વારકા જિલ્લાએ પૂનમબેનને હાલારની દીકરીનો હેત વરસાવી ખોબલે ખુબલે મત આપ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનની ખાસ અસર જામનગર લોકસભા બેઠક પર આ વખતે જોવા મળી હતી. કાલાવડ હોય જામજોધપુર હોય, ધ્રોલ હોય કે સિક્કા હોય, પૂનમબેન માડમનો ઠેર ઠેર થી વિરોધ જોવા મળ્યો હતો. આવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ જ્યાં જ્યાં વિરોધ થયો હતો ત્યાંથી પૂનમબેન માડમને વર્ષ 2019 ની લોકસભા કરતા પણ વધારે મત મળ્યા હોવાના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. કાલાવડ બેઠક પર વર્ષ 2019માં પૂનમબેન માડમને 5552 મતની સરસાઈરલ મળી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસના કાલાવડ પંથકના જ પાટીદાર ઉમેદવારની દાવેદારી વચ્ચે થયેલ સ્પર્ધામાં પણ પૂનમબેન માડમને 10292 મતની એટલે કે લગભગ વર્ષ 2019 કરતાં ડબલ સરસાઈ મળી છે.

જામનગર દક્ષિણ બેઠકમાં ગત ટર્મ વર્ષ 2019માં પૂનમબેનને 48,210 ની સરસાઈ મળી હતી એ સરસાઈની સામે લગભગ 4000 વોટની આ વખતે ખાધ આવી છે. આ વખતે આ બેઠક પર પૂનમબેન માડમને 44,345 મત ની સરસાઈ મળી છે. આ બેઠક પાટીદાર પ્રભાવિત બેઠક ગણાવાઈ રહી છે. ખોડલધામ નરેશ નરેશ પટેલે જયારે પાટીદાર ચહેરાને જામનગરની ટીકીટ આપી ત્યારે કોંગ્રેસનો આભાર માન્યો હતો. ત્યારેથી અહી પાટીદાર સહીત સમગ્ર જીલ્લામાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સિનારિયો બદલાયો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. પરંતુ પાટીદારો ભાજપાના કમિટેડ રહ્યા અને અહી ભાજપાને લીડ મળી છે.

જો વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૪ના મતદારોના ભાજપ પ્રત્યેના જોકની વાત કરવામાં આવે તો આ વખતે સૌથી વધુ ખાઘ ભાજપને જામનગર ગ્રામ્ય બેઠક પર મળી છે. વર્ષ 2019 ની વાત કરવામાં આવે તો જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપને 31258 મતની સરસાઈ મળી હતી ત્યાં આ વખતે 12,252 મતની સરસાઈ મળી છે. આ બેઠક પર પણ પાટીદાર અને લઘુમતી મતદારોની સંખ્યા વિશેષ છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસે લીડના ગણિત માંડ્યા હતા. પણ તે અપેક્ષાઓ ઈવીએમમાં તબદીલ ન કરી શક્યા.

ક્ષત્રીય આંદોલન બાધારૂપ બનતું હોવાનું પ્રચાર ઝુમ્બેસમાં ભાજપાને વારે વારે અહેસાસ થતો આવ્યો હતો. સૌથી વધુ અહેસાસ જામનગર ઉતર બેઠક પર થશે એમ માનવામાં આવતું હતું. કારણ કે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રીવાબા જાડેજાની વિધાનસભા વાળી આ બેઠક પર ક્ષત્રિયો લડાયક મિજાજમાં જોવા મળતા હતા. જેનો અનુભવ નવાગામ ઘેડ વિસ્તારમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે સામે આવ્યો હતો. પ્રતિકુળ સંજોગો વછે જામનગર ઉત્તર બેઠક પર છેલ્લી બે ચુંટણીઓની સરસાઈના લેખાજોખા કરવામાં આવે તો અહી ભાજપાને 15000 મતની ખાધ પડી છે, વર્ષ 2019 માં અહીં પૂનમબેન માડમને 55054 મત મળ્યા હતા. જ્યારે આ વખતે ઉત્તર બેઠક પર ભાજપની સરસાઈ 40,686 મત રહેવા પામી છે.

પાટીદાર પ્રભાવિત અને ગત વિધાનસભામાં આપના ઉમેદવારનો વિજય થયો હતી તે બેઠક એટલે કે જામજોધપુર બેઠક પર આ વખતે ભાજપને ખાધ પડશે એવા સંજોગો ઊભા થયા હતા. ખુદ ભાજપાના નેતાઓ પણ માનતા હતા કે અહી ભાજપાને થોડી ખાધ આવશે. પરંતુ વર્ષ 2019 માં ભાજપ અને અહીંથી 16533 મતની લીડ મળી હતી જે આ વખતે 10,000 મતના વધારા સાથે અહીંથી 26,549 મતની સરસાઈ પ્રાપ્ત થઈ છે. એટેલ એક વાત અહી સ્પષ્ટ થઇ ગઈ કે પાટીદાર ભાજપને કમિટેડ રહ્યા છે.

જોકે ભાજપા અને પુનમબેનને જે ધારણાઓ અને અપેક્ષાઓ હતી તે દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા બેઠકોએ પાર પાડી છે. ગત 2019ની ચૂંટણીમાં પૂનમબેનને ખંભાળિયા બેઠક પર 38,255 મતની લીડ પ્રાપ્ત થઈ હતી પરંતુ આ વખતે અહીંથી 42,943 મતની સરસાઈ પ્રાપ્ત થઈ છે. જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક પર વર્ષ 2019માં પૂનમબેન ને 39,670 મતની લીડ મળી હતી તો આ વખતે અહીંથી 60000 એટલે કે 20,000 થી વધુ મતની સરસાઈ મળી છે.

ભવ્ય વિજય બાદ સાંસદ પૂનમબેન માડમે સાલીનતાથી સમગ્ર હાલારવાસીઓનો આભાર માન્યો, સાથે સાથે એ પણ કહ્યું કે હાલારીઓ શાંતિ, સુરક્ષા અને સલામતી ઈચ્છે છે એ સાબિત થયું છે. તો વિરોધીઓ પર કટાક્ષ પણ કર્યો કે ચૂટણીઓ ગ્રાઉન્ડ પર લડાય છે નહી કે શોશ્યલ મીડિયા ઉપર, ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં પુનમબેન ઊંઘતા રહ્યા અને વિરોધીઓ ખેલ પાડી ગયા એવા પણ સમાચાર વહેતા થયા હતા. પરતું બધાથી પર રહી માડમે પોતાના પ્રચાર પ્રસારમાં ધ્યાન કેન્દ્રિત કરી ગામેગામ સુધી પહોચી મતદારોના દિલ જીતવામાં સફળ થયા એ જમીની હકીકત છે.