જામનગર અપડેટ્સ: કાલાવડમાં કૈલાસનગરમાં રહેતા એક મિસ્ત્રી યુવાન તેના બનેવીનું જામનગર નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજયા છે. કાલાવડથી મોટરસાયકલ લઇ નીકળેલ બંને યુવાનોને ઇકો ગાડીએ ઠોકર મારી નીપજાવેલ ગમખ્વાર અકસ્માતમાં બંનેના કરુણ મૃત્યુ નીપજયા છે. મૃતક સાળાને નવી કાર લેવાની હોવાથી બનેવી સાથે ગઈ કાલે બપોર બાદ કાલાવડથી જામનગર આવતા હતા ત્યારે જામનગરની ભાગોળે બંને પર ઇકો ગાડી કાળ બની ત્રાટકી હતી સાળા-બનેવીના એક સાથે નીપજેલ મૃત્યુના પગલે સમગ્ર કાલાવડ પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
જામનગર જીલ્લામાં વધુ એક જીવલેણ અક્સમાત સર્જાયો છે કાલાવડમાં કૈલાસનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મીકાંતભાઈ ભૂદરભાઈ સોંડાગર અને કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે રહેતા તેના બનેવી રાજેશ રતિલાલભાઈ ગંગાજળિયા ગઈ કાલે સોમવારે મોટરસાયકલ લઇ કાલાવડથી જામનગર આવવા નીકળ્યા હતા. બંને જામનગરની ભાગોળે પહોચ્યા ત્યારે ઠેબા ચોકડી નજીક આઈઓસી કંપની સાઈટની સામેના રોડ પર સામેથી પુર ઝડપે આવેલ જીજે 10 ડીએચ ૭૨૩૫ નંબરની ઇકો ગાડીને બંને યુવાનો જે મોટર સાયકલમાં સવાર હતા તે મોટરસાયકલને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં બંને યુવાનો મોટર સાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા અને માથા થતા મોઢાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાન લક્ષ્મીકાંતભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે ગંભીર રીતે ઘવાયેલ રાજેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક લક્ષ્મીકાંતભાઈના કાકા દિનેશભાઈ સોંડાગરે અકસ્માત નીપજાવી નાશી ગયેલ ઇકો ચાલક સામે પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશભાઈના ભત્રીજા એવા લક્ષ્મીકાંતભાઈને કાર લેવી હોય તેઓના બનેવી મૃતક રાજેશભાઈ સાથે નવી કાર લખાવવા જામનગર આવતા હતા. ગઈ કાલે જ કાલાવડ ખાતે મળેલ મૃતક ભત્રીજા લક્ષ્મીકાંતભાઈએ દિનેશભાઈને કાર લખાવવા જામનગર જવાની વાત કરી હતી. કાર લખાવે તે પૂર્વે કાળ મુખી ઇકો ગાડીએ લક્ષ્મીકાંતભાઈ અને તેના બનેવી રાજેશભાઈને ભરખી લેતા પરિવાર સહીત સમગ્ર કાલાવડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પંચકોશી એ ડીવીજન પોલીસે ફરિયાદના આધારે નાશી ગયેલ ઇકો ચાલકની શોધખોળ શરુ કરી છે.