જામનગર : કુખ્યાત જયેશ પટેલની ગેંગ દ્વારા વધુ એક વારદાતને અંજામ આપવામાં આવતા ખુદ પોલીસ માટે જયેશ પટેલ કોયડો બની ગયો છે. રાજ્યના ટોપ મોસ્ટ પોલીસ અધિકારીઓની એક ટીમ જયેશ પટેલને શોધવા દિવસ-રાત એક કરી રહી છે ત્યારે જયેશ પટેલે પોલીસની કાર્યવાહીથી તશુંભાર પણ ડર્યા વગર ભાડુતી માણસો પાસે બિલ્ડર પર ફાયરીંગ કરાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. જયેશની સક્રિયતાનો ખુલાસો ફરિયાદમાં થયો છે. ફાયરીંગનો ભોગગ્રસ્ત યુવાનના ભાઈને મહિના પૂર્વે જ ફોન કરી જયેશે પોતાની ભાષામાં ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ઘટેલી ફાયરીંગની ઘટનાની ગઇકાલે બપોર બાદ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રણજીત સાગર રોડ પર ઇવાપાર્ક-1માં રહેતા અને કંટ્રકશનનો વ્યવસાય કરતા હસમુખભાઇ દેવરાજભાઇ પેઢડીયાએ પોતાના ભાઇ જયસુખ ઉર્ફે ટીનાભાઇ પર જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે ચાર ભાડુતી માણસો રોકી ફાયરીંગ કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. હત્યા નિપજાવવાના ઇરાદે આવેલા ચાર શખ્સો પૈકીના એક શખ્સે ટીનાભાઇના લમણે બંદૂક ટાંકી ફાયરીંગ કરી હોઠના ભાગે ઇજા પહોંચી હતી. દરમ્યાન ટીનાભાઇએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી લેતા આરોપીઓ બાઇકમાં નાશી ગયા હતા. જેને લઇને પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 307, 507, 114, 120બી અને આર્મસ એકટ 25(1) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આજ થી એકાદ માસ પૂર્વે ભોગગ્રસ્તના ભાઇ હસમુખભાઇ પર જયેશ પટેલે વોટ્સએપ કોલ કર્યો હતો અને પોતાના નવા બંધાતા ઇવાપાર્ક-2ના મકાને ન જવાનું કહી ધમકી આપી હતી ત્યારબાદ આ કાવતરૂ રચી જયેશ પટેલ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા નાશી ગયેલા ચારેય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે હજુ સુધી ચાર પૈકી એક પણ શખ્સ સુધી પોલીસ પહોંચી શકી નથી.
છેલ્લા ત્રણેક માસથી પોલીસ દ્વારા ઓપરેશન જયેશ પટેલ ચલાવવામાં આવી રહ્યું છે અને જયેશ પટેલને ઢેર કરવા માટે પોલીસ કથિત રીતે આકાશ-પાતાળ એક કરી રહી છે. ત્યારે પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ ઓપરેશનને બ્રેક લાગી ગઇ હોય એવો માહોલ સર્જાયો છે. આવા સમયે જયેશ પટેલએ પોતાની ક્રાઇમ કુંડળીને વધુ વેગ આપી પોલીસની અવરટેક કરી હોય એમ ચિત્ર ઉપસી આવ્યું છે.