જામનગર: વહેલી સવારે બે તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં વરસ્યો વરસાદ

0
1364

જામનગર અપડેટ્સ : હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ ગઈ કાલ બપોર બાદથી જામનગર જીલ્લાભરમાં વરસાદી માહોલ રચાયો છે. જે આજ સવાર સુધી યથાવત છે. શનિવારે કાલાવડ અને જામજોધપુર પંથકમાં સચરાસર તેમજ લાલપુરના અમુક ગામડાઓમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. આ માહોલ રાતભર રહ્યા બાદ આજે વહેલી સવારે બે તાલુકામાં બે ઇંચ ઉપરાંત વરસાદ વરસી ગયો છે. જેને લઈને બંને તાલુકાના ખેડૂત વર્ગમાં આનંદ છવાઈ ગયો છે.

જામનગર જીલ્લામાં ગઈ કાલે કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો  અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી ત્રણ-ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ બે-કાઠે થઇ હતી તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે. હવામાન વિભાગના વરતારા મુજબ તા.૨૫ અને ૨૬મીના સૌરાષ્ટ્રના સાગરકિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સાચી સાબિત થઇ રહી છે. ગઈ કાલનો માહોલ હજુ યથાવત છે. જેમાં આજે વહેલી સવારે ચારથી છ વાગ્યાના ગાળા દરમિયાન જોડિયા અને ધ્રોલ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય પંથકમાં બબ્બે ઇંચ વરસાદ વરસી ગયો છે. જેમાં જોડીયામાં ૫૦ મીમી અને ધ્રોલમાં ૪૮ મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે મેઘ મહેરને લઈને બંને તાલુકાની વરસાદના આલિંગન માટે તરસતી ભૂમિ તૃપ્ત થઇ હતી અને ખેડૂતોમાં ખુશીનું મોજું ફરીએ વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here