જામનગર : ઠગબાજોએ સસ્તાભાવે ફાર્મ હાઉસ પડાવી સરકારી જમીનના બોગસ દસ્તવેજ કરી આપ્યા

0
965

જામનગર અપડેટ્સ : જામનગરની ભાગોળે નવતર જમીન કૌભાંડ સામે આવ્યું છે. ભાયાવદરના ત્રણ પટેલ બંધુઓની માલિકીની ખીમરાણા ખાતેની ફાર્મ હાઉસ સાથેની ખેતીની બાર વીઘા જમીન જામનગરની ઠગ ટોળકીએ સસ્તા ભાવે પડાવી લઇ, તેના બદલામાં ૩૩ લાખ રૂપિયા આપી, હાપા અને ખીજડીયા બાયપાસ પાસે ખાલસા થયેલ સરકારી જમીનના બે જુદા જુદા પ્લોટના બોગસ દસ્તાવેજ તૈયાર કરી ખેડૂતને વેચાણ ખત કરી દઈ રૂપિયા ૧.૧૫ કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પંચકોશી એ ડીવીજન પોલીસમાં નોંધાવાઈ છે.

જમીન પ્રકરણની વિગત મુજબ, મૂળ રાજકોટ જીલ્લાના ભાયાવદરના સંજય કરશનભાઈ ભૂત અને તેના કાલાવડ અને મોરબી ખાતે રહેતા અન્ય બે ભાઈ એમ ત્રણેયના નામે જામનગર નજીક ખીમરાણા ગામે બાર વિધા જમીન આવેલી હતી. આ જમીન પૈકી અઢી વીઘા જમીનમાં ફાર્મ હાઉસ અને દસ વીઘા જમીનમાં ખેતી કરતા હતા. દરમિયાન વર્ષ ૨૦૧૯માં આ જમીન વેચવા કાઢી હતી. જેમાં તેઓને જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા કિશોર ગજાનંદભાઈ મહેતાનો સંપર્ક થયો હતો. રૂપિયા ૧.૧૫ કરોડની આ જમીનનો સોદો થયો હતો. જેમાં રૂપિયા ૧૫ લાખ રોકડા દેવાના હતા અને બાકીના રૂપિયાના ખીજડીયા અને હાપા વિસ્તારમાં આવેલ બિન ખેતીના પ્લોટના દસ્તાવેજ કરી આપવાનો વાયદો  કરવામાં આવ્યો હતો. આરોપી દલાલ કિશોર મહેતાએ એક દિવસ ત્રણેય ભાઈઓને બોલાવી લાલાબંગલા ખાતે રોટરી કરાવી પ્લોટનો વેચાણ ખત તૈયાર કરાવ્યો હતો. જે તે સમયે સંજયભાઈના ભાઈ હસમુખભાઈની કીશોરભાઈએ આ પ્લોટના  માલિક તરીકે શરીફ ઉડેજા અને ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજાની ઓળખાણ કરાવી હતી. આ વેચાણખત થઇ ગયા બાદ ત્રણેય સખ્સોએ મળીને બંને પ્લોટસના બોગસ દસ્તાવેજ તૈયાર કરાવી પટેલ બંધુઓને પહોચતા કર્યા હતા. પરંતુ સમય જતા પટેલ બંધુઓને આ પ્લોટ વેચી અન્ય ધધો કરવો હોવાથી દસ્તાવેજના આધારે બંને પ્લોટ વેચવા કાઢ્યા હતા. પરતું દસ્તાવેજની ખરાઈ કરતા બંને બોગસ હોવાનું અને  જે તે જગ્યા સરકારી ખાલસા કરેલ જમીન હોવાનું સામે આવ્યું હતું જેનાં આધારે ભાયાવદર રહેતા ભાઈ સંજયએ ત્રણેય સખ્સો સામે પંચકોશી એ ડીવીજનમાં નવતર છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here