જામનગર : મેડીકલ કોલેજમાં પેપર ચકાસણીમાં ગોલમાલ ? ડીનનો જવાબ છે આવો…

0
744

જામનગર : આમ તો સૌરાષ્ટ્ર યુનીવર્સીટી અને તબીબી શાખા વચ્ચે બંધ બેસ્યો જ નથી. કોઈને કોઈ બાબતે યુનીવર્સીટી અને તબીબી વિભાગ હમેશા વિવાદમાં જ રહ્યા છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોરોના કાળમાં યુનીવર્સીટીમાં પેપર ચકાસણી શક્ય નહી બનતા કોલેજમાં પહોચતી કરવામાં આવી હતી. પરંતુ જામનગર મેડીકલ કોલેજમાં પેપર ચકાસણી દરમિયાન નિયમોનો છડેચોક ભંગ થયાની અને કઇક ગોલમાલ થઇ હોવાનું સામે આવ્યું છે. પેપર તપાસી અને પરત પણ ચાલ્યા ગયા છે પરંતુ કોલેજના ડીનની હાજરીમાં કરવાની થતી કાર્યવાહીની અનદેખી કરવામાં આવી છે. જેને લઈને ઉપ કુલપતિ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ જ મામલે કોલેજ ડીન દેસાઈ અને યુનીવર્સીટી વચ્ચે કોઈ પત્ર વ્યવહાર નહી થયો હોવાનું તેઓનું કહેવું છે. જેને લઈને આગામી સમયમાં પ્રકરણ સળગતો ઇસ્યુ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોનાકાળમાં વાયરસ સંક્રમિત ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા મેડીકલની પરીક્ષા લઇ પેપરની ચકાસણી યુનીવર્સીટીમાં કરવાને બદલે મેડીકલ કોલેજમાં જ મોકલી દઈ, જે તે કોલેજના ડીનની હાજરીમાં સીસીટીવીની નિગરાની હેઠળ પેપર ચકાસણી કરવા યુનીવર્સીટી તરફથી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. જો કે જામનગરમાં યુનીવર્સીટીના આ નિયમને કોરાણે મૂકી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જામનગરની એમપી શાહ મેડીકલ કોલેજમાં પેપર ચકાસણી કરવા માટે આવી ગયા, પેપર તપાસી પરત યુનીવર્સીટી મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ ડીન નંદીની દેસાઈની હાજરીમાં પેપર ચકાસણી કરવામાં નહી આવી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પેપર ચકાસણીમાં ગોલમાલ થઇ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતની યુનીવર્સીટી સમક્ષ ફરિયાદ કરવામાં આવતા ઉપ કુલપતિ દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. જો કે પેપર એક જ પ્રોફેસરે ચકાસ્યા છે કે એક થી વધુ પ્રોફેસરોએ કાર્યવાહી કરી છે ? તે સ્પષ્ટ થયું નથી પરંતુ પેપર ચકાસણીમાં ખેલ પડી ગયો હોવાની વાતને લઈને હાલ મેડીકલ કેમ્પસ પરિસરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શું કહે છે ડીન નંદીની દેસાઈ…..

આ મામલે એમપી શાહ મેડીકલ કોલેજના ડીન નંદીની દેસાઈનો સંપર્ક કરતા તેઓના જવાબથી વધારે આશ્ચર્ય ફેલાયું છે. પરીક્ષાના પેપર ચેકિંગ બાબતથી જ હું અજાણ છું. પેપર ચેકિંગ બાબતે યુનીવર્સીટી તરફથી મને કોઈ પરિપત્ર મળ્યો નથી.

આ બાબતે હું કઈ જ ન કહી શકું એમ તેઓએ સ્પષ્ટ કર્યું છે. હાલ ચર્ચાસ્પદ બનેલ પ્રકરણ અંગે કુલપતિ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે એ બાબત પણ ધ્યાને ન હોવાનું તેઓએ જણાવ્યું છે.ડીનના જવાબથી પેપર ચેકિંગનો વિવાદ વધુ સપાટી પર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here